Editorial

ધણીના રૂપિયે લ્હેર “આ વહું તો બસ માથે પડેલી છે. મારા દીકરાના પૈસે બસ લ્હેર જ કરવી છે.

Published

on

વૈષ્ણવી એક ગરીબ અને મધ્યમ વર્ગમાંથી પરણીને સાસરે આવેલી સારું એવું ભણેલી એક સંસ્કારી અને ખાનદાન દીકરી અને વહુ હતી. એનો પતિ ગણપતિ શહેરની એક કંપનીમાં નોકરી કરતો હતો. સસરા તો હતા નહીં ! ફક્ત સાસુ એકલા જ હતા. સાસુ સ્વભાવે થોડાક કકૅશ હતા. વૈષ્ણવીનો પતિ ગણપતિ સ્વભાવે મજાકીઓ ખરો છતાં એટલો જ ઉદાર દિલવાળો હતો. સાસુની કચકચ ગણી જ હતી છતાં વૈષ્ણવી પોતાના પતિની ઉદારતાના ટેકે પોતાનો સંસાર સારી રીતે ચલાવતી હતી. આજે તે સવારની રસોઈ બનાવી જમી અને આરામ કરી રહી હતી. એટલામાં સાસુ બાજુની સોસાયટીમાં કોઈના ઘરે બેસવા ગયા હતા તેઓ આવ્યા. વૈષ્ણવીને સૂતેલી જોઈ તેઓ છળી ઉઠ્યા.
“આ વહું તો બસ માથે પડેલી છે. મારા દીકરાના પૈસે બસ લ્હેર જ કરવી છે. કામ ધંધો કશું કરવો નહીંને બે વખત ખાવું, ઊંઘવું અને રોજ નવા નવા કપડાં પહેરીને તૈયારને તૈયાર રહેવું.” વૈષ્ણવી કશું જ બોલ્યા વગર ઊભી થઈ અને પોતાના કામે વળગી ગઈ. ઘણીવાર પોતાનો પતિ પણ ઘરે મજાક કરતો.તે હંમેશા કહેતો,” તું તો બસ મારા પૈસે લીલા લ્હેર કરે છે. તારે મજા છે હો ભાઈ !” છતાં વૈષ્ણવી કોઈનું ખોટું ન લગાડતી કારણકે બા હવે વડીલ થઈ ગયા હતા. એમનો સ્વભાવ બદલી શકાય એમ નહોતો અને પતિ મજાકમાં આવું કહેતો. સાથે સાથે વ્હાલ પણ એટલું જ કરતો એટલે વૈષ્ણવીના ઉદાર અંતરને ઘરના બે સભ્યો પ્રત્યે કોઈ જ અણગમો, અદેખાઈ કે કોઈ દ્વેશ નહોતો. અંદરથી ભલે દુઃખી દેખાતી હોય પણ વૈષ્ણવીનો સંસાર બાહ્ય રીતે શાંત રીતે ચાલતો હતો. આમ ક્યારેક વધારે દુઃખ થયું હોય તો એક ખૂણામાં બેસીને બે આંસુ ટપકાઈ લેતી તો ક્યારેક પતિનો હૂંફ ભર્યો સ્પર્શ વૈષ્ણવીના સંસારના ગાડાને ધીરે ધીરે ગબડાવ્યે જતો હતો.જેમ જેમ સમય થતો ગયો તેમ વૈષ્ણવી વધુ સમજદાર અને ઉદાર બનતી જતી હતી. સાસુના મ્હેણાં પણ એ કોઈ દિવસ ગણકારતી નહીં.

હવે એકવાર બન્યું એવું કે ગણપતિને અચાનક લકવાનો હુમલો આવ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો છતાં કમરથી નીચેનું આખું શરીર જાણે બેજાન જ બની ગયું ! ગણપતિના ચાલતા સુખી સંસારમાં જાણે કુદરતે મોટો ઘા કર્યો હતો. ઘરનો મોભ જાણે પડી ભાગે એમ ગણપતિ ખરેખર પડી ભાગ્યો હતો. ઘરનો મુખ્ય કમાવનાર જ ખાટલાવશ થઈ જતાં લક્ષ્મીએ તો જાણે મોં ફેરવી લીધું.એનું ઘર ધીરે ધીરે આર્થિક સંકળામણમાં ભરાવા લાગ્યું હતું. વૈષ્ણવીને સતત ચિંતા થયા કરતી હતી કે પોતાનો પતિ હવે ખાટલામાંથી ઉઠી શકે એમ નથી. ડોક્ટરે પણ જવાબ આપી દીધો હતો કે હવે ગણપતિ આમ જ આખી જિંદગી પથારીવશ રહીને જ પૂરી કરશે. પોતાની દૈનિક ક્રિયાઓ પણ જાતે નહીં કરી શકે ! છતાં વૈષ્ણવી ભગવાનની મરજી માની અને પોતાના પતિની સેવા કરતી હતી. બીજી બાજુ ગુજરાન ચલાવવાની ચિંતા એનાં અંતરને કોરી ખાતી હતી.ધીરે ધીરે આર્થિક સાંકળામણ વધવા લાગતા ગણપતિ જે કંપનીમાં નોકરી કરતો હતો એ જ કંપનીમાં વૈષ્ણવી ઇન્ટરવ્યૂ આપી અને પતિની જગ્યાએ સારી નોકરી મેળવી લીધી. સાસુમા તો વૈષ્ણવીના આ નિણર્યથી ખૂબ જ નારાજ હતા. તેમના મુખે હવે તો કડવી વાણીએ માજા મુકી હતી. વૈષ્ણવી તો જાણે કોઈ જુદી જ માટીની બનેલી હતી. જેમ સાસુમા કડવા થતાં જતાં હતાં તેમ વહું તો મીસરી બને જતી હતી ! જેમ કંચન વધુ તપે તેમ વધુ ચમક ધારણ કરે બસ આ જ ગુણધર્મ વૈષ્ણવીના સ્વભાવમાં નખશિખ બંધબેસતો હતો.
હવે તો બે ત્રણ મહિના થવા આવ્યા છે. સાસુની તો એ જ કચકચ ચાલુ છે. છતાં વૈષ્ણવી જાણે ટેવાઈ ગઈ હોય તેમ પોતાની નોકરી કર્યે જાય છે અને પતિની અને સાસુની ઉદાર દિલે સેવા પણ કરતી જાય છે. દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠી જાય. ઘરનું મોટાભાગનું કામ કરી અને રસોઈ પણ બનાવી દે. સવારનો નાસ્તો પોતાના પતિને પોતાના હાથે થે જ કરાવે અને પછી પોતે ટિફિન લઈ અને નોકરીએ નીકળી જાય. સાંજે પણ આવતા વેંત તે કામે વળગી પડતી. ઘરકામ કરી રસોઈ બનાવે અને પોતાના પતિને પોતાના હાથે જ રોજ જમાડે.

Advertisement

એકવાર સાંજના સમયે તે ઘરે આવી રસોઈ બનાવી પોતાના પતિને ખવડાવી રહી હતી. અચાનક જ ગણપતિની આંખોમાં આંસું સરવા માંડ્યા.વૈષ્ણવીને નવાઈ લાગી એ તરત બોલી ઉઠી,” કેમ આમ કરો છો ? કોઈ દિવસ નહીં ને આજે તમારી આંખમાં આંસુ કેમ છે ? કઈ વાતનું દુઃખ છે તમને ?”
ગણપતિ કશું બોલી ના શક્યો. વૈષ્ણવી ફરી બોલી,” જુઓ તમારે હવે કોઈ ચિંતા કરવાની નથી. મેં આખું ઘર સંભાળી લીધું છે અને હું ખાતરી આપું છું કે તમને કે બાને નખ જેટલીયે તકલીફ નહીં પડવા દઉં. ગણપતિ મહામુસીબતે પોતાના શબ્દો ઉચ્ચારતા બોલ્યો,” વૈષ્ણવી મને માફ કરજે ! હું ઘણીવાર કહેતો કે તું મારા પૈસા લીલા લ્હેર કરે છે પણ આજે તને શું કહું ? એમ જ ને કે હું તારા રૂપિયે લ્હેર કરું છું ? કેમ સાચું ને ?”
વૈષ્ણવીએ પતિનો હાથ પોતાના બે હાથની હથેળીમાં ભીડી આંસુ અને હળવા સ્મિત સાથે કહ્યું,” જુઓ ! તમારે આ બધું કંઈ જ વિચારવાનું નહીં ! હું પણ કંઈ ઉપકાર નથી કરતી, આટલા દિવસ તમે મને સાચવી, હવે મારો વારો છે. હું ભલે ગમે તેટલી કમાવવા લાગું પણ આ ઘરના ધણી તો તમે અને બા જ છો ! મારા માટે અત્યારે પણ તમે બન્ને ખાસ છો જ અને રહેશો !” આટલું બોલતા બોલતા તો વૈષ્ણવી ની આંખો પણ ઉભરાઈ પડી. તેનું માથું પતિના ખભા તરફ ઢળી પડ્યું. પતિ પણ એ બાજુ પોતાનું માથું નમાવી વૈષ્ણવીના કપાળને ચૂમી લીધું.સંધ્યા સમયે જતી વેળા ક્ષિતિજ ઉપર સૂરજ પણ બે ઘડી આ દ્રશ્ય જોવા જાણે થંભી ગયો હતો ! એ પણ જાણે આ બંનેનો આટલો પ્રેમ જોઈ ઈર્ષ્યાથી લાલચોળ થઈ ગયો હતો.

બીજો દિવસ થયો. વૈષ્ણવી પોતાના નિત્યક્રમ મુજબ વહેલા ઉઠી નાઈ-ધોઈ પરવારી, રસોઈ બનાવી, ટિફિન લઈ અને પોતાના કામે નીકળી ગઈ. કંપનીમાં આખો દિવસ કાર્યમાં એટલી વ્યસ્ત રહી કે સાંજ ક્યારે પડી ખબર જ ના પડી ! નોકરીનો સમય પૂર્ણ થતા તે પોતાના ઘરે આવવા નીકળી. ઘરે પહોંચતા જ એને કંઈક અલગ જ મહેસુસ થઈ રહ્યું હતું. રોજ એને સૂનું અને કકૅશ લાગતું ઘર આજે ખૂબ શાંત અને પોતીકું લાગવા લાગ્યું હતું. જેવી તે પોતાના ઘરના દરવાજામાં દાખલ થઈ ત્યાં સામે જ સાસુમા આરતીની થાળી લઈ ઉભા હતા. વૈષ્ણવીને ઘરમાં પ્રવેશતા જ ઉંબરા ઉપર જ અટકાવીને ઉભી રાખી. વૈષ્ણવી કૂતુહલવશ બધું જોઈ રહી હતી. સાસુમાએ પહેલા એને તિલક કર્યું. ત્યારબાદ એની આરતી ઉતારી અને હળવેકથી તેના કપાળને ચૂમી લઈ ઘરની અંદર દોરી ગયા. ઘરમાં તેણી જુએ છે તો આજે બધી સાફ-સફાઈ થઈ ગઈ હતી. રસોડામાંથી પણ સારી એવી વાનગીની સુવાસ આવી રહી હતી. એના પતિ ગણપતિને પણ નવડાવીને કપડાં બદલાવી દીધેલા હતા. વૈષ્ણવી તો આશ્ચર્યચકિત થઈ મનોમન ગદગદિત થઈ રહી હતી કે આ શું ? આટલું બધું પરિવર્તન ? સાસુ એને ઘરની અંદર લઈ જઈ બેડ ઉપર બેસાડી તરત ગરમાગરમ ચા આપી. વૈષ્ણવી પહેલા પોતાના પતિને ચા પાઈ અને પોતે પણ પીધી. એટલી જ વારમાં સાસુમા કપ રકાબી રસોડામાં લઈ જતા બોલ્યા,” બેટા વૈષ્ણવી ! જલ્દી નાઈ અને કપડાં બદલી ફ્રેશ થઈ જા. આજે હું તારા માટે તારું મનગમતું સેવ ટમેટાનું શાક અને બાજરીનો રોટલો બનાવ્યો છે. સાથે છાશ પણ તૈયાર છે તું આવે એટલી વારમાં હું પીરસી દઉં છું.” વૈષ્ણવી પાસે આજે કંઈ જ શબ્દો ન હતા. ફક્ત પોતાનું અમૂલ્ય સ્મિત જ હતું. કશું જ બોલ્યા વગર તે બાથરૂમમાં જઈ નાહી, ફ્રેશ થઈ, કપડા બદલી અને પાછી આવી બહાર આવી ત્યાં સુધીમાં તો જમવાનું પીસાઈ ચૂક્યું હતું. સાસુમા વૈષ્ણવીની વાટ જોતાં બેઠા હતા. વૈષ્ણવી કંઈક બોલવા જતી જ હતી ત્યાં સાસુમાએ તરત કહી દીધું,” ગણપતિની ચિંતા કરવાની જરૂર નથી મેં એને મારા હાથે જ જમાડી દીધું છે. તું આવી જા જમવા ! આપણે શરૂ કરીએ.” વૈષ્ણવી વળી પાછી ખુશ થઈ ગઈ. તે જમવાની થાળી આગળ બેઠી. એની મનગમતી રસોઈ પીરસી અને સાસુમા એટલું જ બોલ્યા કે,” આજથી આ કામ તો હું જ કરીશ ! તને મનગમતી વાનગીઓ જમાડીશ કારણ કે કાલે સાંજે ગણપતિના બાજુમાં તું આંસુડા દ્વારા તારી જે લાગણી વહેવાવી હતી એ મેં કાનોકાન સાંભળી હતી અને અંતરથી એને અનુભવી પણ હતી. હવે તું પણ મારી મમતાનો જરૂર અનુભવ કરીશ. વૈષ્ણવી પોતાની થાળીમાંથી પહેલો કોળિયો સાસુના મુખમાં મૂક્યો અને હરખ અને લાગણીસભર બની દરરોજ કરતાં અનહદ સ્વાદિષ્ટ ભોજન માણવા લાગી. રસોડામાંથી સીધા જ દેખાતા બેડરૂમમાં બેડ ઉપર સૂતેલો ગણપતિ આ અદભુત અને નયનરમ્ય દ્રશ્ય જોઈ રહ્યો અને જાણે પોતાનું દુઃખ ભૂલી હમણાં જ પોતાના પગ ઉપર ઉભો થઈ જાય એવું એને લાગી રહ્યું હતું.

Advertisement

– વિજય વડનાથાણી.

Advertisement

Trending

Exit mobile version