Surat
સુરત સિવિલના 551 સફાઈકર્મીઓને છત્રી નુ વિતરણ

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત )
સામાજિક અગ્રણી કલ્પેશ મહેતાએ સ્વર્ગસ્થ પિતાની માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ના 551 કર્મચારીઓને છત્રી વિતરણ કરી ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ના સૂત્ર સાર્થક કર્યું છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક અને નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા સહિત તમામ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં સિવિલની કિડની બિલ્ડીંગના પ્રાંગણમાં આયોજિત આ સેવા કાર્યક્રમમાં કલ્પેશભાઈના માતા હીરાબા ના હસ્તે તમામ સફાઈ કર્મચારી ભાઈ-બહેનોને છત્રીઓ અર્પણ કરવામાં આવી હતી.સફાઈકર્મીઓએ તેમનો આભાર વ્યક્ત કરી એમના પિતા સ્વ. કાંતિભાઈના આત્માની શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. કલ્પેશભાઈએ કહ્યું કે, ગરીબ લોકોની મદદમાં વપરાયેલો રૂપિયો ભગવાનના પ્રસાદ સમાન જ હોય છે. સ્વ. પિતા સામાજિક કાર્ય સાથે જોડાયેલા હતા. હમેશા લોકોની મદદે આગળ રહેવું એવી ભાવના અને ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’નો મંત્ર આપતા હતા. હવે પિતા સ્વ. કાંતિભાઈ પ્રભુચરણમાં સિધાવી ગયા છે.
એટલે એમની આ સેવાપ્રવૃત્તિ, દરિદ્ર નારાયણને સહાયરૂપ થવાની ભાવના અને સેવા સંકલ્પને આગળ વધારી રહ્યો છું. જીવનમાં પ્રભુ એ જે આપ્યું છે એનાથી સંતુષ્ટ છું. બસ ગરીબ અને લાચાર લોકોની બન્ને હાથે સેવા કરી જીવનનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરવો છે. મેં મારો મોબાઈલ નંબર પણ સિવિલમાં આપ્યો છે, જે કોઈ ગરીબની મદદનો કોલ આવે એટલે ઓછા સમયમાં એની જરૂરિયાત પૂરી કરી શકું એવો સંકલ્પ કર્યો છે. મારી આ સેવાકીય પ્રવૃત્તિમાં પરિવાર પણ સાથ-સહકાર આપે છે એમ જણાવી દરેક સિઝનમાં ગરીબ, લાચાર અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો પ્રયાસ કરું છું અને કરતો રહીશ એવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. .ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, કલ્પેશભાઈ જેવી અનન્ય ભાવના ધરાવતા સમાજસેવીઓ, અન્ય સંસ્થાઓને નવી સિવિલ તંત્ર આવકારે છે. કલ્પેશભાઈ હમેશા સિવિલ હોસ્પિટલને ઉત્કૃષ્ટ બનાવવાના માર્ગદર્શન સાથે સિવિલમાં સેવાકાર્યો માટે આવતા રહે એવી અપેક્ષા વ્યક્ત કરી સ્વ.પિતાના આત્માને ચિર: શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી હતી. ઈકબાલ કડીવાલાએ તેમની સેવાભાવનાને બિરદાવતા કહ્યું કે, કલ્પેશભાઈ કોવિડના દુઃખદ સમય ખૂબ સેવાકીય પ્રવૃતિઓ કરી ચુક્યા છે. બ્લડ, ગરીબો માટે દવાની આર્થિક સહાય, બિનવારસી લોકોની મદદ, પોતાના કે પરિવારના જન્મ દિવસ, એનિવર્સરીએ સિવિલના બાળ વિભાગ કે વોર્ડમાં ઉજવણી કરવી, બાળકોને ગમતી ગિફ્ટ આપી એમના મોઢા પર સ્મિત લાવતા રહ્યા છે. આદિવાસી વિસ્તાર હોય કે સિવિલનો સગર્ભા, સ્ત્રી રોગનો વિભાગ હોય બેબી કીટ, સાડી વિતરણ, શિયાળાની ઋતુમાં પોષણ કીટ, સિવિલમાં દર્દીઓને ધાબળા વિતરણ જેવી સેવા કરે છે. તેમની ભાવના અન્યો માટે પ્રેરણાદાયી બની રહેશે.