Vadodara
વડોદરામાં જાનહાનિ થતાં અકસ્માતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

- બ્લેક સ્પોટ ઘટાડીને માનવ મૃત્યુ સાથે અકસ્માતો પણ રોકવા
- કલેક્ટરશ્રી અતુલ ગોરનો જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠકમાં અનુરોધ
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં લો: કલેક્ટર અતુલ ગોર વડોદરા જિલ્લામાં બ્લેક સ્પોટ ઘટાડીને માનવ મૃત્યુ સાથે અકસ્માતો રોકવા કલેક્ટર અતુલ ગોરે જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠકમાં અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં નેશનલ હાઈવે પર પોર ટી પોઈન્ટ પાસે તાત્કાલિક ૨૦ મીટર સુધીના વિસ્તારમાં રબર સ્ટ્રીપ અને રેડીયમ રીફ્લેક્ટર લગાડવા માટે ગોરે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં માર્ગ અકસ્માતને લઈને અત્યંત ચિંતિત એવા કલેકટર અતુલ ગોરે અકસ્માત સંભવિત વિસ્તારોને શોધીને જરૂરી સ્થળે રોડ મેપિંગ, કેટ આઇ તથા ઝીબ્રા ક્રોસિંગની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે જણાવ્યું છે. પૂરઝડપે અને બે ધ્યાન પૂર્વક વાહન ચલાવવાના કારણે અકસ્માત જોવા મળતા લોકો જાગૃત થાય તે માટે વિવિધ ઝુંબેશ ચલાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વડોદરા જિલ્લામાં આવેલા તમામ બ્લેક સ્પોટને લઈને ટૂંકા ગાળાના સુધારા જેવા કે રોડ માર્કિંગ, રબર સ્ટ્રીપ, ડેલીનેટર, કેટઆઇ, રીફલેક્ટર લગાવવા જેવી બાબતો સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ કર્યો છે.
બ્લેક સ્પોટ ઉપરાંત જિલ્લાના સંભવિત અકસ્માત ઝોનમાં મેન પાવરની સાથે સાથે પેટ્રોલિંગ ઉપરાંત ઇન્ટરસેપ્ટર વાન, સ્પીડ ગનનો ઉપયોગ કરીને રફ ડ્રાઇવિંગ, ઓવરસ્પીડ તેમજ રોંગસાઇડ વાહન હંકારનારાઓની સામે કડક પગલાં ભરીને કાર્યવાહી કરવા પણ ગોરે કહ્યું હતું. જિલ્લા માર્ગ સલામતિ સમિતિની સમીક્ષા બેઠકમાં કલેક્ટર અતુલ ગોરે અધિકારીઓને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય તેવા સતત પ્રયાસ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત બાળકોને લાયસન્સ અને હેલમેટ વગર વાહન ન આપવા વાલીઓને કલેક્ટરએ બેઠકના માધ્યમથી અનુરોધ કર્યો છે.
માર્ગ સલામતી જાગૃતિ ઝુંબેશ અંતર્ગત આરટીઓ કચેરી, પોલીસ તંત્ર તેમજ વિવિધ સેવાભાવી-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જાગૃતિ અભિયાનો ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં શાળાના બાળકોને રોડ સેફ્ટી અંગેની જાગૃતિ ફિલ્મ ઉપરાંત જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, આર.ટી.ઓ કચેરી, માર્ગ-મકાન વિભાગ, જી. એસ. આર. ટી. સી., એન.એચ.એ.આઈ. ના અધિકારીઓ સહિત કાઉન્સિલના સભ્ય તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.