Gujarat
પંચમહાલ ખાતે નેશનલ આયુષ મિશન (NAM) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લાના ક્લેક્ટર કચેરી-ગોધરાના કોન્ફરન્સ હોલ ખાતે તા.૨૯/૧૨/૨૦૨૩ ના રોજ જિલ્લા ક્લેક્ટર અને ચેર-પર્સન આશીષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કાર્યરત ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટી (DAS)ની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી.જેમાં કો-ચેરપર્સન અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ આયુષ મિશન (NAM) અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલ ૯ (નવ) જેટલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ચાલતી કામગીરી, વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત મંજુર થયેલ ડિસ્ટ્રીક્ટ એન્યુઅલ એક્શન પ્લાન (DAAP) ની માહિતી તેમજ જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના વાર્ષિક આયોજન અંગે જિલ્લા આયુષ અધિકારી,ર્ડા. સુનિલ બામણિઆ એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યથી વિગતવાર માહિતી પુરી પાડી હતી.
જિલ્લા આયુષ વિભાગ દ્વારા હાલ જિલ્લામાં થઈ રહેલ કામગીરીનુ અવલોકન કરી ક્લેક્ટર આશીષકુમારે કામગીરીને બિરદાવી હતી, તેમજ આયુષ સાથે જોડાયેલ ચિકિત્સા પદ્ધતિઓને જિલ્લામાં હજુ વધારે વેગવાન બનાવવા ગ્રામીણ વિસ્તારોને વિશેષ મહત્વ આપવા ઉપર ખાસ ભાર મુક્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાએ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તેમજ અન્ય અંતરીયાળ વિસ્તારમાં આયુષ સારવાર થકી પોષણ સંબંધી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. સાથોસાથ જિલ્લામાં આયુર્વેદ ચિકિત્સા પધ્ધતીનો વ્યાપ વધુ કેવી રીતે વિસ્તારી શકાય, તે અંગે જરૂરી સુચનો કર્યા હતા.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ચૌધરી, સરકારી આયુર્વેદ હોસ્પિટલ-પોપટપુરાના વૈદ્ય પંચકર્મ ર્ડા. નિકુંજ મેવાડા અને ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીના અન્ય સભ્યો, સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધીઓ, આયુષ સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમજ આયુષ વિભાગના તબીબો અને અન્ય શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.