Gujarat
ડેસર તાલુકાના પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો
(અવધ એક્સપ્રેસ દ્વારા)
સમગ્ર રાજ્યમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ ડેસર તાલુકાના લીમડાના મુવાડા, રાજુપુરા અને ગોપરી ગામની પ્રાથમિક શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને આ ત્રણે ગામની શાળાના ૫૬ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. કુલ ૫૬ બાળકોને બાલવાટિકા તેમજ ધો.૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારીઓ, શિક્ષકો અને વાલીગણને બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે પ્રયત્ન કરવા સુચન કર્યું હતું. શિક્ષણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આ ઉપરાંત તમામ સ્કુલોના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને અમુક બાળકોને તેઓ શું બનવા માંગે છે, શાળામાં વ્યાયામ- યોગ શીખવવામાં આવે છે કે નહિ, શાળામાં કઈ કઈ રમતો રમાડવામાં આવે છે તે અંગે પુછપરછ કરી હતી. બાલિકાઓને જણાવ્યું હતું કે બધાએ કોલેજ સુધીનું શિક્ષણ લેવું જ જોઈએ અને ત્યાર બાદ જ લગ્ન કરવા જોઈએ. એસ.એમ.સીના સભ્યો, વાલીઓ, ગ્રામજનોને કોઈ પ્રશ્ન હોય, કોઈ ફરિયાદ હોય તો ખુલ્લા મને જણાવવા કહ્યું હતું. રાજુપુરાની શાળાના આચાર્ય લાલજીભાઈ દેસાઈ કે જેમણે એક જ શાળામાં ૪૦ વર્ષ સેવા આપી, અને ૩૦ જુન ૨૦૨૪ના રોજ તેઓ નિવૃત થઈ રહ્યા છે, આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ તેમના કાર્યને બિરદાવી તેમનું સન્માન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી.
પ્રવેશોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, ટી.ડી.ઓ તેજસ પટેલ, બીઆરસી મહેશભાઈ પટેલ, સરપંચ, માજી સરપંચ ગામના આગેવાનોએ હર્ષોલ્લાસથી જોડાયા હતા. ડીડીઓ માર્ગમાં આવતી કેજીબીવી-રાજુપુરા અને પીપળછટ પ્રાથમિક શાળાની પણ મુલાકાત લઈ, જાતે નિરીક્ષણ કરી, જરૂરી સલાહ સુચન આપ્યા હતા. ઉલેખ્ખનીય છે કે નિપુણ ભારત નિપુણ ગુજરાત યોજના હેઠળ ધો.૧-૨ના બાળકોને NEP-૨૦૨૦ અને NCF-SCF મુજબ શીખવા શીખવવાની સામગ્રી આપવાની શરૂઆત કરી છે. જેમાં પ્રવૃતીપોથી, ગણિત અને ભાષા માટે ખાનાવાળી અને લીટી વાળી આકર્ષક નોટબુક, જાતે શીખવા માટે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની વૈજ્ઞાનિક પધ્ધતિથી વિકસાવેલી કીટ આપવામાં આવે છે.