Gujarat
પંચમહાલમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી

સંકલન સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ અર્થે પરિણામલક્ષી કામગીરી અંગે સૂચન સહ તાકીદ કરાઈ
પંચમહાલ કલેક્ટર કચેરીના સભાખંડમાં કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. બારીયાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બાદ મળેલી પ્રથમ સંકલન બેઠક કુલ બે ભાગમાં યોજાઈ હતી.
ધારાસભ્યઓ તરફથી રજૂઆત થયેલા પ્રશ્નો ઉપર વિમર્શ કર્યા બાદ સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબો મેળવવામાં આવ્યા હતા. કાર્યકારી કલેક્ટર દ્વારા આ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પરિણામલક્ષી કામગીરી માટે તાકીદ કરવામાં આવી હતી. તેમણે સંકલનના અધિકારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે પ્રેરક સૂચન પણ કર્યું હતું.
આ બેઠકના ભાગ-૧માં ધારાસભ્યઓ દ્વારા પ્રસ્તુત થયેલા પાણી, માર્ગો, વીજળી, સિંચાઈ, શિક્ષણ, મહેસૂલ, આરોગ્ય, પંચાયત સહિતના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ભાગ-૨ માં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પડતર પ્રશ્નો અને રજૂઆતો પર ચર્ચા થઈ હતી. વિશ્વ યોગ દિવસની જિલ્લા તેમજ તાલુકા/નગરપાલિકા કક્ષાએ ઉજવણી સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સંકલન બેઠકના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.