Panchmahal
જિલ્લા માહિતી કચેરી ગોધરાના સહાયક અધિક્ષક રક્ષા દવે વયનિવૃત્ત

સરકારી અધિકારી કે, કર્મચારી માટે બે દિવસ અતિ મહત્વના હોય છે. એક જ્યારે તે સરકારી નોકરીમાં ફરજ પર હાજર થાય એ દિવસ અને ૫૮ કે ૬૦ વર્ષે વયનિવૃત્તિ અથવા સેવા નિવૃત્તિનો દિવસ. સરકારી કર્મચારીઓ વયનિવૃત્ત જરુર થતાં હોય છે પરંતુ, એક મનુષ્ય તરીકે મનુષ્ય કર્મ અને તેમની ફરજમાંથી તેઓ નિવૃત્ત થઈ શકતાં નથી. વિદાયમાન કોઈપણ હોય એ સ્થિતિ જ એવી હોય છે કે, હૃદય ભારે બની જાય. આ દ્રશ્ય ખરેખર અદ્ભૂત હોય છે. એક સરકારી કર્મચારી કે, અધિકારી તરીકે સમગ્ર કાર્યકાળ દરમિયાન ઈમાનદાર ફરજનિષ્ઠ બની રહેવું ઉપરાંત જવાબદારી તો ખરી જ સાથે ઉત્તરદાયિત્વ પણ નિભાવવું એ સામાન્ય બાબત નથી. કેવી પળો હોય છે એ નિવૃત્તિ સમયની! વયનિવૃત્ત થતાં સરકારી કર્મીનું હૃદય ઉપરાંત સાથી કર્મીઓના હૃદય પણ એક પળ માટે થંભી જતા હોય છે! આમ જિલ્લા માહિતી કચેરી ગોધરા ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા રક્ષાબેન બી.દવે તા.૩૧/૦૩/૨૦૨૩ના રોજ વયનિવૃત થતા આજ રોજ નાયબ માહિતી નિયામક પારૂલ મણિયારની અધ્યક્ષતામાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
વિદાયમાન કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરીના પરિવાર દ્વારા દવેને શ્રીફળ આપી, શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપીને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમા માહિતી મદદનીશ આઈ.એચ.ચૌધરી, ટેકનિકલ આસિસ્ટન્ટ જે.કે.રાવલ, અધિક્ષક કે.એસ.સુતરીયાએ આર.બી.દવેએ કરેલી સરકારી કામગીરીને બિરદાવી તેમનું નિવૃત્તિ જીવન નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જુનિયર કલાર્ક આમલિયાર, દવેના પરિવારના સભ્યો,નિવૃત્તિ એ.ડી.આઈ કલ્પનાબેન પટેલ,નિવૃત્ત અધિક્ષક ઇલાબેન શાહ સહિત માહિતી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.