Gujarat
પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ ખાતે જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો _
૮મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત “આયુર્વેદ ફોર વન હેલ્થ” અને “હર દિન હર કિસી કે લીએ આયુર્વેદ” થીમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે આવેલી જી.વી.એસ હાઇસ્કુલ ખાતે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને પોપટપૂરા સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુષ મેળાનું આયોજન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં યોજાયેલ આયુષ મેળામાં આયુર્વેદ વિભાગને સંલગ્ન વિવિધ પ્રકારના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં લોકો આયુર્વેદ તરફ દોરાય તે માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો, તદ્પરાંત લોકો વધુમાં વધુ મિલેટ વાનગીઓ વિશે જાણકારી મેળવીને પોતાના આહારમાં ઉપયોગ કરે તે માટેના પણ માહિતીસભર સ્ટોલ તથા આયુર્વેદ તેમજ હોમીયોપેથી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ,વન ઔષધિ પ્રદર્શન,ચાર્ટ પ્રદર્શન,દિન ચર્યા ઋતુચર્યા, મિલેટ્સ વાનગી પ્રદર્શન,યોગ નિદર્શન,પંચકર્મ,અગ્નિ કર્મ વગેરે આયુષ પદ્ધતિઓનું નિર્દેશન કરતા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને મહાનુભાવોના હસ્તે ગોલ્લાવ ખાતે નવનિર્મિત સરકારી આયુર્વેદ દવાખાનાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી,વિવિધ વિભાગના અધિકારીઓ,પદાધિકારીઓ,હોદ્દેદારો સહિત લોકો ઉપર ઉપસ્થિત રહ્યા હતા.