Chhota Udepur
જીલ્લા કક્ષાનો ઈ-સ્વાગત કાર્યક્રમ વી.સી હોલમાં ઓનલાઈન માધ્યમથી યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
૭ પ્રશ્નોનો ઉકેલ માટે રિપોર્ટ મંગાવતા કલેક્ટર સ્તુતિ ચારણ દબાણો, જમીન, પાણી સહિતના વિષયે પ્રશ્નોની રજૂઆત
તા.૨૭/૦૭/૨૦૨૩ના ગુરૂવારના રોજ છોટાઉદેપુરના જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઇ-જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા બે દાયકાથી સંવેદના સાથે જન-સમસ્યાના નિવારણનું માધ્યમ બની ચૂકેલા આ કાર્યક્રમ પ્રતિમાસના ચોથા ગુરુવારે યોજાઇ છે, ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં અન્ય છ તાલુકાના અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
જિલ્લા કક્ષાના આ સ્વાગત કાર્યક્રમાં કુલ ૧૦ પ્રશ્નોની રજૂઆત થઇ હતી. જે પૈકી ત્રણ પ્રશ્નોના તો સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યા હતા. બાકીના રજૂઆત કર્તાઓને કલેક્ટરે ટીડીઓ અને મામલતદાર કક્ષાએથી સ્થળ પર જઈ રીપોર્ટ કરવા સુચન કર્યું હતું. આ બાકી રહેલા પ્રશ્નોમાં રિપોર્ટ મંગાવવા, પૂર્તતા કરવા સહિતની બાબતો અંગે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કોઇ પણ પ્રશ્નની રજૂઆત થાય ત્યારે તેને સ્થાનિક કક્ષાએ જ ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઇએ. જેથી અરજદારને પોતાની સમસ્યાનું સમાધાન તુરંત મળી રહે અને જરૂર લાગે ત્યારે સંબંધિત અધિકારીઓએ પોતાની વડી કચેરીનું કે વરિષ્ઠ અધિકારીઓનું માર્ગદર્શન લઇ લેવું જોઇએ.
સ્વાગત કાર્યક્રમની આ શ્રેણીમાં દબાણો, માર્ગો, પાણી, ગટર, વરસાદી પાણીના નિકાલ, જમીન મહેસુલને લગતા કેસોની અરજદારો દ્વારા રજૂઆત કરાઇ હતી. આ વેળાએ નાયબ કલેકટર અમિત ગામીત, સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.