Uncategorized
પાવીજેતપુર હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
પ્રતિનિધિ, કાજર બારીયા
અવધ એક્સપ્રેસ, તા.૩
છોટાઉદેપુર જિલ્લાનું ૧૦મુ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૪ પાવીજેતપુર હાઈસ્કૂલમાં યોજાયું હતું. જેમાં પાંચ વિભાગમાં ૬૦ જેટલી કૃતિઓ એ ભાગ લીધો હતો તેમજ એસએસસી અને એચએસસી બોર્ડનું પરિણામ સારું આવે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દીવાદાંડી હેલ્પલાઇન યુ ટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આવી હતી.
પાવીજેતપુર શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ શાહના જણાવ્યા મુજબ આજના વિજ્ઞાન અને તકનીકી પ્રધાન વિશ્વમાં ભારત જયારે હરણફાળ ભરી સૌને અચંબિત કરી રહ્યું છે ત્યારે વિજ્ઞાન અને તકનિકીના ક્ષેત્રમાં દેશના વિશેષ ઉજજવળ ભવિષ્યને પ્રસ્થાપિત કરવા હેતુ જયારે આપણા બાળ વૈજ્ઞાનિકો પોતાનામાં રહેલી સર્જનાત્મકતાને, સુષુપ્ત શક્તિઓને અને કૌશલ્યોને તેઓના પ્રિય એવાં “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” ના માધ્યમથી ઉજાગર કરવા થનગની રહ્યા હોય ત્યારે આ ઉમદા પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભાને પ્રત્યક્ષ કરવા શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિના ધામ રૂપ શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, પાવીજેતપુરના પ્રાંગણમાં છોટાઉદેપુર જિલ્લાના ૧૦માં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમયે ઉપસ્થિત છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી તથા જિલ્લા શિક્ષણાધિકારી પરમાર દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને સરળતા રહે તે હેતુસર દીવાદાંડી યુ ટ્યુબ હેલ્પલાઇન ચેનલને ખુલ્લી મુકવામાં આવી હતી. પરીક્ષા પે ચર્ચા માં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ચાલુ કરવામાં આવેલ ચેનલના વિડીયો દ્વારા વધુને વધુ બાળકો લાભ લે તેવું સમગ્ર આચાર્યોને સૂચન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાનું દસમું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-ર૦૨૪ના વિભાગ : ૧ ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, વિભાગ : ૨ પરીવહન અને સંદેશા વ્યવહાર, વિભાગ : ૩ પ્રાકૃતિક ખેતી, વિભાગ : ૪ ગાણિતિક મોડેલ અને ગણનાત્મક વિચારો, વિભાગ : એ-આપત્તિ વ્યવસ્થાપન, બી – કચરાનું વ્યવસ્થાપન અને સ્ત્રોત વ્યવસ્થાપન આમ પાંચ વિભાગમાં બાર બાર કૃતિઓએ ભાગ લેતા કુલ ૬૦ કૃતિઓએ ભાગ લીધો હતો. આ પાંચ વિભાગ માંથી બે બે શ્રેષ્ઠ કૃતિઓને પસંદ કરી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવનાર છે. વડોદરા જિલ્લામના નિષ્ણાંત શિક્ષકોની નિર્ણાયક તરીકે સેવા લેવામાં આવી હતી.
આ સમયે પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ તેમજ ભાજપના જિલ્લા મહામંત્રી એવા મોન્ટુભાઈ શાહે ગામના વિકાસમાં સિંહ ફાળો આપ્યો હોય ત્યારે તેઓનું પણ કેળવણી મંડળ તેમજ હાઇસ્કુલ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.
આમ, પાવીજેતપુર હાઇસ્કુલ માં ત્રણ દિવસ માટે છોટાઉદેપુર જિલ્લાના ૧૦ મા ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.