Chhota Udepur
જીલ્લા કક્ષાના સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે સંપન્ન
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુરના કુસુમ વિલાસ પેલેસ ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, ડીડીઓ ગંગાસિંહ, ડીએસપી ઈમ્તિહાસ શૈખ તેમજ પ્રાયોજના વહીવટદારની વિશેષ હાજરીમાં વર્ષના પ્રથમ દિવસે સવારે ૭.૩૦ કલાકે સામુહિક સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.
છોટાઉદેપુર શહેરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં ૨૪૫ યોગ સાધકો સૂર્ય નમસ્કાર કરી જીલ્લા કક્ષાની આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. ગુજરાત રાજ્ય યોગબોર્ડના માગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોએ સુર્ય નમસ્કાર કરીને ચમત્કારિક યોગ પદ્ધતિને પોતાના જીવનનો એક ભાગ બનાવવા માટે ભાગીદારી નોંધાવી હતી.
સૂર્ય એટલે ઊર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી. સૂર્ય નમસ્કાર, જેને ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જેથી ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે. આવા તો અનેક ફાયદાઓ છે સૂર્ય નમસ્કારના, ત્યારે યોગ સાધકો, યોગ ટ્રેનર, યોગ કોર્ડીનેટર તથા યોગ કોચ સહિત સૌએ મળી ૧૧ સૂર્ય નમસ્કાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જીલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહીવટદાર,પોલીસ અધિક્ષક, બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યકરો, કુસુમ વિલાસ પેલેસના રાજકુંવરીબા તેમજ શહેરીજનો સામુહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા હતા.