Ahmedabad
મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં પોષ વદ અમાસ નિમિતે ભાવભક્તિપૂર્વક દિવ્ય શાકોત્સવ ઊજવાયો
ભૂમંડળ સ્થિત તીર્થત્તોમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સદ્ગુરુ દિન તથા ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું પરમ ઉલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સદ્ગુરુ દિન એટલે સદ્ગુરુએ આપેલ ઉપદેશ, જ્ઞાન, જીવમાં કેટલું ઊતર્યું છે તે ધ્યાન કરીને તપાસવાનો દિન. જીવ ભગવાનના બળને પામી કેટલો બળીયો બન્યો છે તે ચકાસવાનો દિન. જીવાત્માને બળવાન બનાવવો સાચો માર્ગ છે; ભગવાનનું નિરંતર અનુસંધાન રાખવું. ભગવાનનું ધ્યાન, ધૂન, ભજન અખંડ કર્યા જ કરવું એ જ સાચો માર્ગ છે.
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામે ભવ્ય શાકોત્સવ કરીને હજારો ભક્તોને ભાવથી જમાડયા હતા. આ પ્રણાલી આજે પણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત તમામ મંદિરોમાં શરૂ છે.
ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે ઉજવાતા ઉત્સવો લોકોના હૃદયમાં ઉત્સાહ સાથે પરસ્પર પ્રેમનું વાતાવરણ જગાવે છે. આજનો માણસ દેખતો છે પણ એની દોટ આંધળી છે. સંપત્તિ , સતા, સામગ્રી કે સૌંદર્ય પાછળની દોટ છે એ દોટમાં ઓટ આવવાથી જ સંસ્કૃતિ અને પરિવાર સાથેની આત્મીયતા વધે છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ, મોટેરા સદ્ગુરુ સંતો, સત્સંગી હરિભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન, અર્ચન કરીને આરતી ઉતારી હતી.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, લોયાધામમાં ૨૨૫ વર્ષ પૂર્વે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રસાદ સ્વરૂપે ૬૦ મણ રીંગણા – ૧૮ મણ ઘીનો વઘાર કરી શાક બનાવી ભક્તોને પ્રસાદ પ્રદાન કર્યો હતો. આવા ભવ્યતા તથા દિવ્યતા સભર શાકોત્સવનો લાભ દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો અને અંતમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.