Gujarat
વડોદરામાં યોજાયેલી મેરેથોનમાં દિવ્યાંગે ભાગ લઇ હેલ્થ અને ફિટનેસને લઈને લોકોને કર્યા પ્રોત્સાહિત!
વડોદરા ખાતે યોજાયેલી 10મી મેરેથોન (MG Vadodara Marathon 2023) યોજાઈ હતી. આ મેરેથોનમાં એક દિવ્યાંગ યુવક તુલસી રાઠવાએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. દિવ્યાંગ હોવા છતાં તુલસી રાઠવાએ મેરેથોનમાં ભાગ લઈને અનેક લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે જોઈને અન્ય સ્પર્ધકોનો ઉત્સાહ બેવડાયો હતો, ત્યારે ઘણાં લોકોએ તેમના ફોટા લીધા હતા તેમજ વીડિયો પણ ઉતાર્યા હતા. રવિવારનાં રોજ યોજાયેલી 10મી મેરેથોનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે ગુજરાત ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના ટ્વિટર પર તુલસી રાઠવાનો વીડિયો શેર કરી લોકોનો જુસ્સો વધાર્યો હતો તેમજ અનેક લોકોને પ્રોત્સાહિત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તે માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકો જોડાયા હતા. ત્યારે દિવ્યાંગ તુલસી રાઠવાએ પણ આ મેરેથોનમાં પહેલી વખત ભાગ લીધો હતો. તુલસી રાઠવાએ લોકોને ફિટ અને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો. દિવ્યાંગ હોવા છતાં મેરેથોનમાં ભાગ લેતા શહેરીજનોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું.
વડોદરાના નિઝામપુરમાં રહેતા તુલસી રાઠવાએ મેરેથોનમાં ભાગ લઈ લોકોને હેલ્થ અને ફિટનેસ પ્રત્યે પોઝિટિવ મેસેજ આપ્યો હતો. તુલસી રાઠવા મેરેથોન સ્થળે પહોંચ્યો તે પહેલા રસ્તામાં લોકોએ તેના જુસ્સાને આવકાર્યો હતો તેમજ તેને રોકીને તેના ફોટા-વીડિયા પણ લીધા હતા. તુલસી રાઠવા જેવા અનેક દિવ્યાંગ લોકોએ આ મેરેથોનમાં ભાગ લઈ શહેરવાસીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વડોદરામાં રવિવારે યોજાયેલી મેરેથોનમાં હાફ અને ફુલ મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં સવારે સાડા પાંચ વાગ્યે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 21 કિલોમીટરની હાફ મેરેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેરેથોનને લીલી ઝંડી આપી હતી. આયોજનમાં 5 અને 10 કિલોમીટરની હાફ મેરેથોન પણ યોજાઈ હતી. રવિવારે યોજાયેલી મેરેથોનામાં લગભગ એક લાખ લોકો જોડાયા હતા.