Sports
શું તમને ખબર છે કે ક્રિકેટરો કઈ કંપનીનું વાપરે છે બેટ? બેટ પર લગાવેલ સ્ટીકરથી થાય છે આવડી કમાણી
સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, હાશિમ અમલા, માર્ક વોગ સહિતના ઘણા ખેલાડીએ શોટ માર્યા બાદ આપણા મનમાં તેમના બેટ અંગે સવાલો ઉઠે છે. તેમનું બેટ શેમાંથી બનેલું છે? તે બેટમાં શું ખાસ છે? તે જાણવાની તાલાવેલી ઘણા ક્રિકેટ રસિકોને હોય છે. સામાન્ય સંજોગોમાં કંપનીઓ ક્રિકેટર સાથે કરાર કરે છે. ક્રિકેટરના બેટ પર કંપનીનો લોગો રહે તે માટે પૈસા ચૂકવવામાં આવે છે.
ભારતમાં બેટનો બિઝનેસ ખૂબ મોટો છે. ભારતમાં બનતા 95 ટકા બેટ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લેવાય છે. દેશમાં ક્રિકેટ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રી રૂ. 350 કરોડની છે. વર્ષો પહેલા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવા ખેલાડીઓ સાથે વહેલી તકે વર્ષોના કરાર કરી લેતી હતી. ખેલાડીઓને મેન્યુફેક્ચરરનો લોગો બેટ પર રાખવાનો રહેતો હતો. આવા કરારથી કંપની અને ખેલાડી બંનેને ફાયદો થતો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, અત્યારે માત્ર સ્પોર્ટ ઇક્વિપમેન્ટના મેન્યુફેક્ચર્સ જ સ્પૉન્સર કરે તેવું નથી હોતું. અનેક કંપનીઓ પોતાનો લોગો બેટ પર રાખવા પૈસા ચૂકવે છે. MRF, Hero Honda, Reebok અને Britannia જેવા નામ બેટ પરના લોગોના કારણે ઘરે ઘરે જાણીતા થયા છે.
વર્તમાન સમયમાં બેટ બનાવનાર કંપની અલગ અને લોગો રાખવા માટે પૈસા ચૂકવતી કંપની અલગ હોય છે. આ બાબતનો વર્ષ 2000માં મેન્યુફેક્ચરર્સ દ્વારા ICC સમક્ષ વિરોધ પણ થયો હતો. પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. આમ પણ મેન્યુફેક્ચરર્સને ખેલાડીઓને નારાજ કરવા પોસાય તેમ નહોતું. કોઈ નારાજ ખેલાડી અન્ય બેટ ઉત્પાદન કંપની સાથે કરાર કરી શકે તેવો ડર રહેતો હતો. બેટનું વેચાણ મોટાભાગે માઉથ ટુ માઉથ પબ્લિસિટીના કારણે થતું હતું. જેથી કંપની વિવાદમાં પાડવા માંગતી નહોતી.
અત્યાર સુધી સચિન, સહેવાગ, દ્રવિડ, કોહલી સહિતના ખેલાડી બેટ પરના સ્ટીકર થકી ઘણા રૂપિયા કમાતા આવ્યા છે. ત્યારે ઉત્પાદકોએ ICCને કરેલી અપીલમાં તેઓને યોગ્ય મહત્વ મળતું ન હોવાની દલીલ કરી હતી. ત્યારબાદ કેટલાક નિયમો ઘડાયા હતા. પણ મેન્યુફેક્ચરર્સ માટે તે વધુ અસરકારક નહોતા.
ICCના નિયમો અનુસાર, કોઈ કંપનીએ ખેલાડીના બેટ પર તેનો લોગો લગાવવા માટે પોતે બેટનું ઉત્પાદન કરવાની જરૂર નથી. આ નિયમના કારણે MRF, CEAT, Nike, Adidas, Puma, Reebok જેવી કોઈપણ કંપની SG, SS, BDM, BAS, વગેરે જેવા ઉત્પાદકો પાસેથી બેટ ખરીદી તે બેટ પર તેમના પોતાના લેબલ લગાવી શકે છે અને તેનું માર્કેટિંગ કરી શકે છે.