Editorial
આ વેલેન્ટાઈન બેલેન્ટાઈન ના જાણીએ તારી કાકી બૂમ પાડે “ના બોલવું હોય તો નઈ” પણ તમે જમી લ્યો
હંમેશા વેલ + ટાઈમ ડે *
ગામના બસ સ્ટેન્ડના ઓટલે બેઠેલા હીરાકાકા સવાર સવારમાં ક્યારનાયે બસની વાટ જોતાં ઉભેલા કેટલાક છોકરાઓને કશુંક મજાક મસ્તી કરતાં સાંભળ્યા. એક જણ કહે, ” મિત્રો આજે તો આપણા માટે મજાનો દિવસ છે. જો મારા ધાયૉ પ્રમાણે થયું તો તમારા બધા માટે પાર્ટી મારા તરફથી…”
બીજો વળી આડી વાત નાંખતા બોલ્યો, “એ બધું ઠીક પણ હું તો અલગથી પાર્ટી લઈશ હો ભાઈબંધ….!” એટલામાં હીરાકાકાના ફળિયાનો વિનય પણ આવી પહોંચ્યો. તેણે પણ આવતાં વેંત પેલાં કોલેજીયન મિત્રો સાથે ગપ્પાં બાજીમાં જોડાયો. વિનય કોલેજ કરતો મધ્યમ વર્ગનો સમજદાર છોકરો હતો. હીરાકાકા સાથે એને સારૂં એવું બનતું. ગપ્પાં બાજીમાં તેની નજર બાજુમાં ઓટલા પર બેઠેલા હીરાકાકા પર પડી. તે મિત્રોને કંઈક ઈશારો કરી બાજુ ગયો. હીરાકાકા સાથે થોડીક વાત થઈ. વાત વાતમાં મજાકમાં જ તેમણે વિનયને પુછ્યું,” અલ્યા ! વિનય આ બધા શાની પાર્ટી માંગે છે ? કોઈને કોલેજમાં પહેલો નંબર આવ્યો છે કે શું ? ”
” ના…ના….કાકા એવું કંઈ જ નથી…” એટલું બોલી વિનયે સામે ઉભેલા છોકરાઓની વચ્ચમાં રહેલા છોકરા તરફ આંગળી ચીંધીને કહ્યું, ” જુઓ કાકા પેલો જે વચ્ચે ઉભો છે ને એ છોકરાની આજે સાંજે સગાઈ છે…એ પણ એની પસંદની છોકરી સાથે…! નક્કી તો ક્યારનુંયે…છ મહિના પહેલાં જ થઈ ગયું હતું પણ સગાઈ આજે રાખી છે.”
” કેમ એમ ? નક્કી કર્યે છ મહિના થયા અને સગાઈ આટલી મોડી ?” હીરાકાકા બોખલા મોં મોંથી જાણે છૂટો સવાલ નાખ્યો.વિનય મોઢું દબાવી હસી જ પડ્યો. કાકાને કશી જ સમજ ના પડી.વિનય પોતાનું હાસ્ય ગાલમાં દબાવી ચોખવટ કરતા બોલ્યો,” હવે શું કહું તમને કાકા ? આજે વેલેન્ટાઇન ડે છે એટલે ! તમને તો આના વિશે ના ખબર હોય કાકા ! આ કોલેજીયનો અને બીજા જુવાનીયાઓ આ દિવસને બહું માને.”
” અરે વાહ ! તો તો નક્કી કોઈક તહેવાર જ હશે ! અથવા તો કોઈ મહાનુભાવની જયંતિ ! બરાબર ને વિનય ? ”
અચાનક જાણે આખી વાત પામી ગયા હોય તેવા ઉત્સાહથી કાકાએ કહ્યુ. વિનય મનોમન હસ્યો અને થોડો ગંભીર બની મનમાં કંઈક ગણગણ્યો,” ક્યાં આ કાકાનો મીરાં – કૃષ્ણ અને નળ- દમયંતિનો સાચા પ્રેમનો જમાનો અને ક્યાં આજનાં ઘડીકયા પ્રેમનો જમાનો ? ” વળી પાછો કાકાને ટીખળ કરતા કહ્યું, ” કાકા…આ વેલેન્ટાઈન દિવસ એટલે પ્રેમનો દિવસ….પ્રેમની ઉજવણીનો દિવસ… તમારા જમાનામાં આવું કંઈ હતું ખરું ?” અને એમના મુખેથી મીઠી ચાસણીમાં બોળેલા ગુલાબજાંબુ જેવા ગામઠી અંદાજના શબ્દો દ્વારા જે પ્રેમની પરિભાષા છલકાઈ ! ખરેખર વિનયના અંતરે કંડારાઈ ગઈ, એમણે કહ્યું, ” જો ભાઈ આપણે આ વેલેન્ટાઈન બેલેન્ટાઈન કંઈ ના જાણીએ, હું તો એટલું સમજું કે સવારમાં સાત વાગ્યે તારી કાકી મને બૂમ પાડે, ” એ…ઉઠો કાનાના બાપુ ! ઝટ દાંતણ પાણી કરી લ્યો ચા તૈયાર છે. સવારની એ કૂણી પળ મારાં માટે વેલેન્ટાઇન ! ક્યારેક ખટમીઠો ઝઘડો થયો હોય, ગમેતેવા અબોલા હોય છતાં જમવા ટાણે એ જ કહે,” ના બોલવું હોય તો ના બોલો પણ જમવાનું તો જમી લ્યો ! ” એ વખત મારા માટે વેલેન્ટાઇન, ક્યાંક બહાર ગામ જવાનું થયું હોય ત્યારે જતાં જતાં ગાડું ભરી શિખામણ આપે,” ખાટી છાશ ના પીતાં એનાથી તમને તરત શરદી થઈ જાય છે, રાત્રે ઉંઘતી વખતે બીપીની દવા ગાળવાનું ના ભુલતા.” મારી આટલી ચિંતા અને દરકાર એ જ મારા માટે વેલેન્ટાઇન ! અને દૂર બેઠેલા એક વડીલ તરફ ઇશારો કરતાં કાકાએ કહ્યું,” આ છેલ્લી એક વાત સાંભળ બેટા ! આ જો પેલાં બેઠેલા શંભુદાદા ને જો, એમના ડોસીમાં છેલ્લા ચાર વર્ષથી ખાટલે બેઠેલા છે અને આ દાદા રોજ સવારે ઉઠી દાંતણ પાણી કરી, જાતે ચા બનાવે છે અને ડોસી માં ને જગાડી એમને પણ દાતણ કરાવી એમના હાથે ચા પણ પાય અને પછી ચૂલા ઉપર તપેલું ભરી પાણી મુકી ચૂલો સળગાવે. ક્યારેક આગ ઓલવાઈ જાય તો ધુમાડાથી આંખો રાતીચોળ થઈ જાય તો પણ ભૂંગળી વડે ફૂંકી ફૂંકીને ચૂલો તો સળગાવે જ ! સવારે વહેલા જેવી એ શભુદાદાના ચૂલાની આગ જોઉં છું ત્યાં જ મને પ્રેમના પ્રતિકની આભા દેખાય છે. માંદા-સાજે અને એકબીજા ની ગેરહાજરી માં એકબીજાની કમી અનુભવે એજ અમારે મન વેલેન્ટાઇન ડે બેટા ! આજનાં છોકરા છોકરીઓ આ અઠવાડિયામાં પ્રેમનો ઊભરો ઠાલવી આખું વર્ષ ભણવાના બદલે મોંઢા ચડાવી ફરે રાખશે, અરે ! ભાઈ પ્રેમનો એક દિવસ થોડો હોય ? આપણી સંસ્કૃતિમાં તો પ્રેમ એ ભવોભવ નો સંગાથ ગણાય. જેમ મીરાંએ કૃષ્ણ માટે, તારામતીએ હરિશ્ચંદ્ર માટે, પ્રહલાદે નરસિંહ ભગવાન માટે, તોરલે સાસટીયાજી માટે પોતાનું જીવતર ઘસી નાખ્યું હતું. ફેશનના જમાનામાં તકલાદી વસ્તુઓની જેમ માણસો અને એમનો પ્રેમ પણ તકલાદી જ થઈ ગયો છે એટલે તો આવાં દિવસ (ડે) ઉજવવા પડે છે ખરું ને બેટા ?
વિનય તો હીરાકાકાને જોતો રહ્યો ! એની નજર તો દાદાને વંદતી જાણે બોલી ઉઠી ! “કાકા તમારી વાત સત પ્રતીસત વ્યવહારું છે.”
તમને પણ ક્યાંક આવું દંપતિ નજરે પડે તો મનમાં એમને તરત “હેપ્પી વેલેન્ટાઇન ડે નહીં પણ હંમેશાં વેલ ટાઈમ ડે જરૂર કહેજો બરાબરને ?
– વિજય વડનાથાણી.