Chhota Udepur
છોટાઉદેપુરમાં ડો.બાબાસાહેબ આંબેડકર ભવનનું નિર્માણ થશે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તક છોટાઉદેપુર જિલ્લામાં ૩ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કરવામાં આવશે. છોટાઉદેપુરના ખુટાલીયા રોડ પર પોલીસ પરેડ ભવનની સામે, શાસ્ત્રીનગરમાં ડો.આંબેડકર ભવનનું નિર્માણ થશે. આ ભવનનું આવતી કાલે તા.૧૯ જાન્યુઆરીના રોજ ભાનુબેન બાબરિયા, મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા આને બાળ વિકાસ વિભાગ, ના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવશે. સમાજમાં શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખી સરકારે તમામ જિલ્લાઓમાં ડો.આંબેડકર ભવન બાંધવાનું નક્કી કર્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરના યોગદાનને ધ્યાને રાખીને તેમના સ્મૃતિચિહ્ન રૂપે આવા ભાવનો બાંધવામાં આવ્યા છે.
અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આંબેડકર ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું જેમાં ઓડીટોરીયમ, મ્યુઝીયમ, લાઈબ્રેરી જેવી વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. આ ખાતમુહુર્ત પ્રસંગે ભીખુસિંહજી પરમાર, મંત્રી(રાજ્યકક્ષા), અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ તેમજ છોટાઉદેપુર જીલ્લા પંચાયતના પ્રમુખની વિશષ ઉપસ્થિતિ રહેશે. જયારે સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અનુસુચિત જાતિ કલ્યાણ ખાતાના નિયામક, કલેકટર છોટાઉદેપુર, અનુસુચિત જાતિ કલ્યાણ ખાતાના સંયુક્ત નિયામક, જીલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ આ ખાત મૂહર્ત સમારોહમાં અતિથી વિશેષ તરીકે હાજર રહેશે.