Vadodara
વડોદરામાં નિર્માણાધિન ડો. બાબા સાહેબનું સ્મારક જ્ઞાનપીપાસુઓ માટે
સંશોધનનું કેન્દ્ર બનશે
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ વડોદરામાં રાજય સરકાર દ્વારા નિર્માણાધિન વિશ્વવિભૂતિ ડો. બાબા સાહેબ મેમોરિયલની મુલાકાત લઇ તેના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે આ સ્મારક જ્ઞાનપીપાસુઓ માટે સંશોધનનું કેન્દ્ર બનાવવા ઉપરાંત નવી પેઢીને ડો. બાબા સાહેબે કરેલા કાર્યોનો ઇતિહાસબોધ મળે એવું સ્થળ નિર્માણ થશે, એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરની મુલાકાતે આવેલા મંત્રી ભાનુબેન બાબરિયાએ પોતાના કાર્યક્રમની શરૂઆત સંકલ્પભૂમિના દર્શનથી કરી હતી. તેઓ સીધા કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે પહોંચ્યા હતા. વડોદરા ખાતે પોતાની નોકરી દરમિયાન ડો. બાબા સાહેબે કમાટી બાગમાં જે વૃક્ષ નીચે બેસી સંકલ્પ કર્યો હતો, એ વૃક્ષ અને ભૂમિને મંત્રીએ નમન-વંદન કર્યા હતા. તેમણે આ સ્થળનું વધુ બ્યુટીફિકેશન કરવા માટે પ્રેરક સૂચન પણ કર્યું હતું.
ત્યાંથી તેઓ કલ્યાણનગર ખાતે બની રહેલા ડો. બાબા સાહેબ સંકલ્પ ભૂમિ મેમોરિયલમાં ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. અહીં રાજય સરકાર દ્વારા અંદાજે રૂ. ૧૭ કરોડના ખર્ચથી ડો. બાબા સાહેબનું ભવ્ય સ્મારકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મુલાકાતીઓ માટે ઉભી કરવામાં આવનારી વિવિધ સુવિધાઓની જાત માહિતી તેમણે મેળવી હતી. સાથે, સ્મારકમાં ક્યાં પ્રકારની વ્યવસ્થા રહેશે, તેની પણ તેમણ જાણકારી ઉપસ્થિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. સંકલ્પ ભૂમિકામાં આવતા મુલાકાતીઓ જ્ઞાન લઇને પરત જાય એવા પ્રકારનું વિષયવસ્તુ પ્રદર્શિત કરવા તેમણે સૂચન કર્યું હતું.
મંત્રી બાબરિયા ત્યાર બાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં બાબા સાહેબ જે કચેરીમાં બેસતા હતા, તેની મુલાકાત પણ લીધી હતી. બાદમાં ધારાસભા હોલ ખાતે સંકલ્પભૂમિ સ્મારકના કામની સમીક્ષા કરી હતી. તેમણે આ કામગીરી વિશે તલસ્પર્શી માહિતી મેળવી સ્મારકનું ઇન્ટીરીયરનું કામ ત્વરિત પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
આ વેળાએ મુખ્ય દંડક બાળુભાઇ શુક્લ, ધારાસભ્ય મનિષાબેન વકીલ, મેયર નિલેશભાઇ રાઠોડ, અગ્રણી સુનિલભાઇ સોલંકી, રોહિતભાઇ પટેલ, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, કલેક્ટર અતુલ ગોર, નિયામક રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
* સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ નિર્માણાધિન વિશ્વવિભૂતિ ડો. બાબા સાહેબ મેમોરિયલની મુલાકાત લઇ સમીક્ષા કરી.