Uncategorized
વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સાબદું
હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરા જિલ્લામાં બુધવારે સવારે ૦૬:૦૦ થી ૧૪:૦૦ કલાક દરમિયાન ૫૬૧ મી.મી વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પણ વધુ વરસાદ થવાની શક્યતાના પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જિલ્લા કલેકટર બીજલ શાહે જિલ્લાના સંબંધિત અધિકારીઓને જણાવ્યું છે.
વડોદરા જિલ્લામાં આજે બપોરે બે વાગ્યા સુધી વડોદરા અને શિનોરમાં સવા ચાર ઇંચ, પાદરામાં સવા છ ઇંચ વરસાદ નોંધાયો છે.
કલેકટર બીજલ શાહે ઉમેર્યું કે, જિલ્લામાં ભારે વરસાદને પગલે વહિવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે.જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટર સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે.
કલેકટરએ ભારે વરસાદના કારણે રસ્તાઓ, માર્ગો પરના વૃક્ષો પડી ગયેલ હોય તો તાત્કાલિક રસ્તા પરથી દુર કરવાની કાર્યવાહી કરવા, જે રસ્તાઓ પર પાણી ભરાયુ હોય તો પાણીનો નિકાલ કરવા સહિત કોઈ પણ જાનહાનિ કે નુકસાની હોય તો તુરંત જ જિલ્લા ઇમેજન્સી સેન્ટરમાં જાણ કરવા જણાવ્યું છે.
નદી કે કાંસ ઉપર પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે.