Chhota Udepur
કુંડલ ગામે સબ સેન્ટરના અભાવે દર્દીઓ આરોગ્ય સુવિધા થી વંચિત નવીન સબ સેન્ટર બનાવવા માંગ
(કાજર બારીયા દ્વારા)
જેતપુર પાવી તાલુકાના કુંડલ ગામે આરોગ્ય વિભાગ દ્વારા નવું સબ સેન્ટર બનાવવામાં આવે તેવી માંગ કુંડલના પૂર્વ સરપંચ રાકેશ રાઠવા દ્વારા સાંસદ,ધારાસભ્ય તથા આરોગ્ય અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
કુંડલ ગામ છેવાડા નું વન્ય તથા ડુંગરાળ વિસ્તાર અને સુખી ડેમના ઉપરવાસમાં આવેલું એક અભાગ્યું ગામ છે. અહીં વસતા ગ્રામજનોને આરોગ્ય સેવાઓ માટે છેક બાર અથવા ડુંગરભીંત સુધી લાંબા થવું પડે છે. જો આ વિસ્તારમાં સબ સેન્ટરને મંજૂરી આપવામાં આવે તો કુંડલ, લુણાજા, ઘાટા, મુઠઇ, ચેથાપુર, આંબાખૂટ તથા વસંતગઢ જેવા સાત ગામોના હજારો લોકોને આરોગ્યની સુવિધાઓ નજીકમાં જ ઉપલબ્ધ થઈ શકે છે.
જંગલ વિસ્તારથી ઘેરાયેલા આ ગામોમાં સાંજે સાત વાગે જંગલી પશુઓના ડરથી ઘરના બારણા બંધ કરી ઘરમાં જ રહેવું પડે છે. સાત વાગ્યા પછી બહાર નીકળી શકાતું નથી જો રાત્રિના સમયે અચાનક કોઇની તબિયત લથડે તો સારવાર વિના આખી રાત તડપતા રહેવુ કે મૃત્યુ આજ બે વિકલ્પ ગ્રામજનો માટે બાકી રહ્યો છે. જો નજીકમાં જ સબ સેન્ટર બનાવવામાં આવે તો અસંખ્ય લોકો આ સુવિધાઓનો લાભ મેળવે તેમ છે.
રાકેશભાઈ રાઠવા ૨૦૨૧ થી તંત્ર તથા રાજકીય આગેવાનોને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. છતાં પણ તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લીધી નથી તંત્રની આળસ ગ્રામજનો માટે જોખમી છે. તંત્રની અવગણના બાદ તેઓએ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ને પોતાનું કામ થશે તેવી આશાએ લેખિતમાં ગ્રામજનો વતી તે વિસ્તારની સમસ્યાઓ એક પત્રમાં લખી રાજકીય આગેવાનોને હાથો હાથ આપી સાત ગામોને આરોગ્યની સુવિધાઓ મળે તે માટે ગાંધીનગર સુધી તેમની આ સમસ્યા પહોંચાડવા અપીલ કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયાના ઓપરેશનો કે અન્ય સારવાર ની;શુલ્ક કરી આપવાની જાહેરાત કરે છે. ત્યારે તેટલા જ બજેટમાં ભવ્ય નહીં તો નાનું સરખું પણ સબ સેન્ટર અહીં બની શકે તેમ છે. સંવેદનશીલ ગણાતી ભાજપ સરકાર કુંડલ તથા અન્ય સાત ગામો પ્રત્યે કેટલી સંવેદનશીલતા બતાવે છે તે તો જોવું જ રહ્યું.
સાંસદ થી લઇ ધારાસભ્ય, જિલ્લા તેમજ રાજ્યના આરોગ્ય અધિકારીઓ સુધી રજૂઆત કરાઈ છે. હવે જોઈએ કે કયા અધિકારી કે રાજકીય નેતા નું દિલ પીગળે છે