Gujarat
હાલોલ નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી યોજાયેલ રાજ્યની ૩૧ નગરપાલિકાઓના રૂ. ૪૪.૦૫ કરોડના સિટી સિવિક સેન્ટર્સનું ઈ-લોકાર્પણ કરાયું હતું.
પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા ખાતે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુવિધાઓનું ‘વન સ્ટોપ સેન્ટર’ સિટી સિવિક સેન્ટરનું તકતી અનાવરણ કરીને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે મંત્રી,હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી, નગરપાલીકા ચીફ ઓફિસર હિરલ ઠાકર સહિત વિવિધ મહાનુભાવોએ સેન્ટરની મુલાકાત લઈને વિવિધ સુવિધાઓનું નિદર્શન કર્યું હતું. મંત્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ દાખલા વિતરણ કરાયા હતા.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સરકાર તરફથી મળતી તમામ યોજનાઓ ઑનલાઇન થઈ છે. સીટી સિવિક સેન્ટર થકી તમામ યોજનાકીય સુવિધાઓ ઘર આંગણે જ મળી રહેતા નાગરિકોનો સમય, શક્તિ અને નાણાંનો સદઉપયોગ થશે. આવનાર સમયમાં રાજ્ય સરકાર અનેક સિટી સિવિક સેન્ટર ઊભા કરશે જેના થકી આમ નાગરિકને તમામ સેવાઓ સરળતાથી મળી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે હાલોલ ધારાસભ્યએ જણાવ્યું કે,હાલોલ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના શ્રેષ્ઠ કાર્યો થયા છે.હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણતાને આરે છે. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર દ્વારા આ વિસ્તારમાં પાવાગઢનો વિકાસ,સિંચાઇ,પાણી સહિતના અનેકવિધ વિકાસના કાર્યો થયા છે.
આ તકે ઉપસ્થિત સૌકોઈએ મહીસાગર જિલ્લાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
જિલ્લાના હાલોલ ખાતે શરુ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી શહેરની અંદાજે ૮૦ હજારથી વધુ વસ્તીને આનો સીધો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાતને પહોંચી વળવા તથા શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરાઈ છે.
આ સેન્ટરો ખાતે મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે
જિલ્લામાં આયોજીત આ કાર્યક્રમમાં હાલોલ નગરપાલીકા ચીફ ઓફિસર હિરલ ઠાકર,નગરપાલિકાના પ્રમુખ/ ઉપપ્રમુખ તથા સભ્યઓ,જિલ્લા અગ્રણીઓ, વિવિધ અધિકારીઓ,તાલુકા વહીવટી તંત્ર સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુવિધાઓના ‘વન સ્ટોપ સેન્ટર’ ને ખુલ્લું મુકાયું
___
હાલોલ શહેરની અંદાજે ૮૦ હજાર વસ્તીને આ સેન્ટર થકી ઘર આંગણે જ નિ:શુલ્ક લાભ મળી રહેશે