Vadodara
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની અંબે વિદ્યાલય ખાતે શિક્ષણ દિનની ઉજવાયો
- શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા અને તાલુકા કક્ષાએ પુરસ્કૃત કરાયા
વડોદરાએ શિક્ષણ ક્ષેત્રે કરેલ પ્રગતિની રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાએ નોંધ લેવાઈ રહી છે: કલેકટર ભારતનુ ભાવી વર્ગખંડમાં ઘડાઇ રહ્યુ છે ત્યારે શિક્ષક દિન નિમિત્તે જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઇ પટેલની અધ્યક્ષતામાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શિક્ષકોના સન્માન માટે અંબે વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ તાંદલજા પ્રાથમિક શાળાના જશપાલ સિંહ, સાધલી શાળાના અશોકભાઈ પ્રજાપતિ અને કાનજીભાઈ ખીમસુરિયાને પંદર હજાર રૂપિયાનો ચેક, સન્માનપત્ર, સ્મૃતિચિન્હ અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય એવા વડોદરા તાલુકાના પ્રેમરાજબેન ચૌહાણ, ધનોરા પ્રાથમિક શાળાના રશ્મિબેન પટેલ, સાધલી પ્રાથમિક શાળાના હેતલબેન પટેલ અને લુણા પ્રાથમિક શાળાના સોનલબેન પઢિયાર ને કર્તવ્યનિષ્ઠા દર્શાવા બદલ પાંચ હજારની રકમનો ચેક, સન્માનપત્ર, સ્મૃતિચિન્હ અને સાલ દ્વારા બિરદાવવામાં આવ્યા હતાં.
તદઉપરાંત જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું અને ડ્રોપ આઉટ રેશિયો ઝીરો સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનારા સી.આર.સી. તથા બી. આર. સી. નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલે જણાવ્યું કે દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકની ખુબજ મહત્વની ભૂમિકા હોય છે. શિક્ષક દરેક મનુષ્યના જીવનમાં વર્તન, વ્યવહાર અને સંસ્કારોનું સિંચન કરે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષકોને સંબોધીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ૨૦૪૭ માં એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન ચરિતાર્થ કરવામાં હાલ માં શિક્ષક તરીકે બજાવી રહેલા શિક્ષકોની મહત્વની ભૂમિકા હશે. ઉપસ્થિત શિક્ષકોને આઝાદીના અમૃતકાળના મુખ્ય સેનાનીઓ હશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું કે આજના દિવસે શિક્ષકોને સન્માન કરવું એ અત્યંત ગૌરવની વાત છે. શિક્ષક એક એવો વ્યક્તિ છે જેના સાથે બાળક પોતાનો સૌથી વધુ જાગૃત સમય વિતાવે છે જેના કારણે શિક્ષકો પાસેથી સમાજની અપેક્ષા વધારે હોય છે. વડોદરામાં શિક્ષકો ખુબજ ઉમદા કાર્ય કરી રહ્યા છે તે વાતનો વિશેષ આનંદ છે તેમ ઉમેર્યું હતું. વડોદરામાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી કામગીરી વિશે જણાવતાં શ્રી ગોરે ઉમેર્યું કે વડોદરા જિલ્લા વહીવટી તંત્રે શિક્ષણ ક્ષેત્રની નવી પહેલ જ્ઞાન સંગમ પ્રોજેક્ટને પણ સુપેરે પાર પાડ્યો છે. આ પ્રોજેક્ટમાં ૬૧ હાજર કરતા વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે અને તેના લાભ લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટને અન્ય ૨ જિલ્લા પણ અપનાવીને સારા પરિણામો મેળવી રહ્યા છે.
શિક્ષકોને તેમના ફરજ સાથે વિદ્યાર્થીઓના રોલ મોડેલ કેવા હોવા જોઈએ તે વિશે પણ જરૂરી સૂચનો કર્યા હતાં. વધુમાં કારકિર્દીમાં ફક્ત ડોકટર, એન્જિનિયર, આઇ. એ.એસ. કે આઇ.પી.એસ. જ નહી પરંતુ વિશ્વમાં કારકિર્દી માટે અનેક સંભાવનાઓ રહેલી છે તે વિશે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. આ સાથે વિદ્યાર્થીઓ અગ્નિવિર યોજના વિશે પણ વિશેષ રીતે જાગૃત કરવામાં આવે તેવી અપીલ કરી હતી. વડોદરામાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ સરાહનીય કામગીરી થઇ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સઘન પ્રયત્નો થકી જિલ્લો ડ્રોપઆઉટ રેસિયોને ઝીરો સુધી લઈ ગયા છે. ફક્ત રાજ્યમાં નહિ પરંતુ રાષ્ટ્ર કક્ષાએ વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રની નોંધ લેવાઈ રહી છે. તેમ ઉમેર્યું હતું. શિક્ષકોના સન્માન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી આર. આર. વ્યાસ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, શિક્ષણ વિભાગ ના અધિકારી તથા કર્મચારીગણ, શિક્ષણ સમિતિના સભ્યો, અંબે સ્કૂલના ટ્રસ્ટી, શિક્ષણ સંઘના આગેવાનો, શિક્ષણ ગણ અને વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયો હતો.