Chhota Udepur
આદિજાતિ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે આશીર્વાદરૂપ છે એકલવ્ય મોડેલ સ્કૂલ
સરકારી શાળામાં ભણતર અને તેની ગુણવત્તાને લઈને અનેક તર્ક-વિતર્ક લોકો પાસે હોય છે. પરંતુ આ જ સરકારી શાળામાં ભણતર, આંતરમાળખાકીય સુવિધા, પ્રાથમિક જરૂરિયાત, રહેવા-જમવાની સગવડ વિશે તમે વાઘોડીયાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીઅલ સ્કૂલમાં અભ્યાસ કરતી અને છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાંથી આવતી નિરાલી રાઠવાને પૂછશો તો એ વાત સ્પષ્ટ થઇ જશે કે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી છાત્રોના શૈક્ષણિક ઉત્થાન માટે કેટલી દરકાર લઇ રહી છે.
એકલવ્ય મોડેલ રેસીડેન્સીઅલ સ્કૂલમાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી નિરાલી મુકેશભાઈ રાઠવાએ ધોરણ-૮ સુધી ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે પાદરાની એક સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો. મિત્રવર્તુળ દ્વારા નિરાલી અને તેમના પરિવારજનોને ઈ. એમ. આર. એસ (એકલવ્ય મોડેલ રેસીડેન્સીઅલ સ્કુલ) વિશે માહિતી મળતા નિરાલીએ એકલવ્ય સ્કુલ ખાતે ધોરણ-૧૧ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હતો.
એકલવ્ય મોડેલ સ્કૂલમાં સરકાર દ્વારા મળતી સુવિધાઓ અંગે વાત કરતા નિરાલી કહે છે કે, અહીં શિક્ષકો દ્વારા ગુણવત્તાયુક્ત અને સુવિધાજનક શિક્ષણ તો મળે જ છે, પરંતુ ઈત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પણ ખૂબ પ્રોત્સાહન મલે છે. નિરાલી એવા પરિવારમાંથી આવે છે જ્યાં તેમના પિતા એક સારા હોદ્દા ઉપર કામ કરે છે, તેમ છતાં સરકાર દ્વારા સંચાલિત એકલવ્ય સ્કૂલમાં અભ્યાસ કરી પોતાના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારી રહી છે.
આદિજાતિ સમાજના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી વધુ અભ્યાસ માટે આર્થિક પરિસ્થિતિના કારણે ભણતર છોડી દે છે. પરંતુ, આ શાળામાં વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. જેથી આર્થિક પરિસ્થિતિ શિક્ષણને આડે ન આવે. આ ઉપરાંત અહીં વિદ્યાર્થીઓને બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સવારના નાસ્તાથી લઈને રાતનું ભોજન અને સાથે સાથે સ્ટેશનરી, ગણવેશ અને હોસ્ટેલમાં રહેવાની સુવિધા પણ વિનામૂલ્યે હોય છે.
શાળામાં ગર્લ્સ તેમજ બોયઝ હોસ્ટેલ છે, જ્યાં ૨૪ કલાક વોર્ડન હાજર હોય છે. જેથી કાળજી સાથે સુરક્ષાની ચિંતા વાલીઓ અને પરિવારજનોને સતાવતી નથી. નિરાલી જેવી અનેક આદિવાસી છાત્રાઓ અહીં અભ્યાસ કરી પોતાના સપનાઓની ઉડાન ભરી રહી છે.
બેડમિન્ટન રમતમાં રસ ધરાવતી નિરાલીએ છોટા ઉદેપુર ખાતે વર્ષ-૨૦૧૮માં યોજાયેલી બેડમિંટનની સ્પર્ધામાં બીજો ક્રમ મેળવ્યો હતો. એકલવ્ય સ્કૂલમાં પ્રવેશ લીધા બાદ વર્ષ-૨૦૨૨માં દાહોદના ખરેડી ગામ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની બેડમિન્ટનની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક લાવીને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું હતું.
મહત્વનું છે કે, વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના ગજાધરા ગામે ઈ. એમ. આર. એસ. ( એકલવ્ય મોડેલ રેસીડેન્સીઅલ સ્કુલ) આદિજાતિ વિકાસ મંત્રાલય ભારત સરકાર તથા આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર જી. એસ. ટી. ઈ. એસ. ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળામાં માત્ર આદિજાતિ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવે છે.
ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત નિ:શુલ્ક શિક્ષણના કારણે સમૃદ્ધ પરિવારમાંથી હોવા છતાં છોટા ઉદેપુરની નિરાલી રાઠવાએ વાઘોડીયાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં લીધો પ્રવેશ
ફ્રીમાં સારું ભણતર અને સુવિધાજનક હોસ્ટેલ, આવું તો ખાનગી શાળાઓમાં પણ નથી હોતું: નિરાલી રાઠવા