Chhota Udepur
છોટાઉદેપુર સબ જેલમાં જોવા મળ્યા લાગણીસભર દ્રશ્યો, બહેનોએ હરખના આસું સાથે કેદી ભાઈઓને બાંધી રાખડી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
હાલ સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર સબ જેલમાં પણ રક્ષાબંધનના તહેવારને લઇને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેન અને ભાઈ બંન્નેની આંખોમાં તહેવારને લઈને હર્ષના આંસુ જોવા મળ્યા હતા. બહેનો ઘણા ઉત્સાહ અને ઉમંગ સાથે ભાઈને મળવા આવી હતી અને બહેનોએ ભાઈને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. જેલમાં ભાઈના હાથમાં રક્ષા બાંધવાના ઉત્સાહ ઉમંગમાં છોટાઉદેપુર સબજેલ પહોંચી બહેનોનો ઉત્સાહ ચહેરા પરથી જોઈ શકાતો હતો.અહીં ભાઈ અને બહેનની મુલાકાત ભાવનાત્મક બની હતી. બહેનોએ હર્ષઆંસુ સાથે ભાઈઓના કાંડે રાખડી બાંધી, મોં મીઠુ કરાવડાવ્યું હતુ. રાખડી બાંધ્યા બાદ ભાઈ-બહેન વચ્ચે થયેલી વાતોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ ભાઈ વહેલો ઘરે આવે એવી કામના સાથે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. સાથે જ બહેનને રક્ષાબંધનના પાવન પર્વે બહેન ખાલી હાથે જાય એવી લાગણીથી હૃદય ભરાઈ આવ્યુ હતુ.
રક્ષાબંધન એક એવો તહેવાર છે, જેમાં દુનિયામાં કોઈ પણ છેડે રહેતા ભાઈ બહેન એકબીજાને મળીને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વને ઉજવે છે. દરેક બહેનને તેનો ભાઈ વહાલો હોય છે. પછી તે જેલ કેદી કેમ ના હોય આવા જ દ્રશ્યો છોટાઉદેપુર સબ જેલમાં પણ જોવા મળ્યા હતા.
રક્ષાબંધનના પર્વ નિમિત્તે જેલના મુખ્ય દરવાજા પાસે જેલમાં જે બંધ કેદી ભાઈઓ અને બહેનો છે. તેઓ પણ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પોતાના પરિજનોને મળી શકે અને રાખડી બંધાવી આ પર્વની ઉજવણી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
છોટાઉદેપુરમાં આવેલી છોટાઉદેપુર સબજેલમાં કાચા અને પાકા કામના ભાઈઓ અને મહિલા કેદીઓ પોતાની સજાઓ કાપી રહ્યા છે. આજે રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે છોટાઉદેપુર સબ જેલમાં બંધ કેદી ભાઈને રાખડી બાંધવા માટે દૂર દૂરથી બહેનો સબ જેલ ખાતે આવી હતી. જેમાં કોઈને કોઈ કારણોસર જેલમાં રહેલા પોતાના ભાઈઓને રાખડી બાંધી આરતી ઉતારી અને મોં મીઠુ કરાવીને પ્રાર્થના કરી હતી. પોતાના ભાઈ જેલમાંથી વહેલા મુક્ત થઈ સમાજમાં સારા કામ કરે અને આવનાર રક્ષાબંધનના પર્વ પર તેઓ ઘર પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરે તેવી પ્રાર્થના કરી હતી.
રાખડી બંધાવતી વખતે ઘણા કેદી ભાઈની આંખો અશ્રુથી છલકાઈ ગઈ હતી. તો બીજી તરફ રાખડી બાંધવા આવેલી બહેનોએ જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે દરેક બહેનને જેલમાં રહેલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટેની જે પરવાનગીને વ્યવસ્થા ગોઠવી આપી છે. તેના બદલ જેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કરી.