Panchmahal
બી.આર.સી ભવન ઘોઘંબા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરાયું

મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ શાખાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો,બેટી પઢાવો તેમજ પૂર્ણા યોજના અંતર્ગત “કિશોરી કુશળ બનો” થીમ હેઠળ આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બી.આર.સી ભવન તાલુકા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં “કિશોરી કુશળ બનો સશક્ત અને સુપોષીત કિશોરી અભિયાન” મેળાની ઊજવણી કરાઈ હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન તથા મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્દ્બોધન રજૂ કરાયું હતું જેમાં કિશોરીઓને પૂર્ણાયોજના અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કિરણબેન દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો“ યોજના વિશે માહિતી આપી હતી.
આ સાથે આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય અને પોષણ અંતર્ગત માહિતી આપેલ, રાજગઢ પોલીસ અધિકારી દ્વારા બહેનોને સ્વ-રક્ષણ બાબતે માર્ગદર્શન અપાયું હતું. ITIની ટીમ દ્વારા ITI વિભાગમાં ચાલતા વિવિધ કોર્સ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એડવોકેટ કાનૂની સેવા સત્તા મંડળ અધિકારી દ્વારા કાનૂની સેવાઓ અંગે જરૂરી માહિતી પૂરીપાડી હતી. પોસ્ટબેંક અધિકારી દ્વારા પોસ્ટમાં ચાલતી વિવિધ યોજનાઓ અંતર્ગત માહિતી રજુ કરાઈ હતી.
આ પ્રસંગે કિશોરીઓ દ્વારા તલવારબાજી રજુ કરાઈ હતી.આ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલનું આયોજન કરી કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા પુનઃપ્રવેશ,આઇટીઆઇ કરાવેલ રાજય ક્ષેત્રે સારી સિધ્ધિ મેળવેલ પ્રતિભાશાળી કિશોરી તથા હિમોગ્લોબીન વધુ હોય તેવી આંગણવાડીમાં નોંધાયેલ પૂર્ણા કિશોરીઓને ધારાસભ્ય તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા પૂર્ણાશીલ્ડ, પૂર્ણાકપ સાથે પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય,શિક્ષણ સમિતિના ચેરમેન,કારોબારી સમિતિના ચેરમેન, રાજગઢ પોલીસ અધિકારી,ઘોઘંબા સરપંચ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.