Chhota Udepur
જેતપુરપાવીના સટુંન તેમજ બાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ જેતપુરપાવી તાલુકાના સટુંન તેમજ બાર ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી, કે.વાય.સી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ રથ દ્વારા સરકારે આદિવાસી વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ- ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રથ દ્વારા ગામમાં કુલ ૨૯૮ જેટલા લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી. જેમાં લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ રજીસ્ટર કરવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા. ઉપરાંત ટી. બી.ના દર્દી અને સિકલસેલ એનીમિયાના દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા. તેમજ ૩૦૦ જેટલા લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે જેતપુરપાવી તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ નવલસિંગ રાઠવા, સટુંન ગ્રામ પંચાયતનાં સરપંચ સાવિત્રીબેન રણજીતસિંહ રાઠવા, બાર ગ્રામ પંચાયતનાં સરપંચ લખીબેન બળવંતસિંહ રાઠવા, તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને અગ્રણીઓએ ગ્રામજનોને યોજનાકીય લાભો લેવા માટે પ્રેરણા પુરી પાડી હતી.