Connect with us

Editorial

ઉદાર દિલથી કોઈની સાથે પીધેલી એક કટીંગ ચા પણ ક્યારેક આપણો જીવ બચાવી શકે છે

Published

on

Even a cup of tea with someone with a generous heart can sometimes save our lives

ધંધાદારી લોકો થાક્યા પાક્યા સાંજે ઘરની વાટ પકડે એમ પોષ માસની ઠંડી પણ સંધ્યા થતાં જ આવી પહોંચ્યા, ગામ, શહેર અને કસ્બાને પોતાની ઠંડકવાળી ચાદરમાં લપેટવા ! ઠંડીનો ચમકારો ધીમે ધીમે પારો ગગડાવી રહ્યો હતો.
શહેરની એક આલીશાન સોસાયટીના મુખ્ય દરવાજે બેઠેલ હકમસિંહ ચોકીદાર વારે વારે પોતાની કેબિનમાંથી ઊભો થઈ શહેરના મુખ્ય મારગ પર વ્યગ્ર નજરે ડોકિયાં કરતો હતો.તે શેઠ ચીમનલાલની આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો.મનોમન જાણે કંઈક મુંઝવાતો હતો. સાત, સાડા સાત અને હવે તો સાડા આઠ થવા આવ્યા.કંઈક સંસય જેવું લાગતાં ધબકતાં હૈયે તરત જ તે ૨૫ નંબરના મકાને ગયો. ત્યાં જોયું તો શેઠાણી ગાડૅનમાં બેઠાં હતાં. ચોકીદારે શેઠ વિશે પૂછપરછ કરી. શેઠાણી થોડાં ચિંતિત બની ફેક્ટરીના એક બે માણસોને તેમજ મેનેજરને ફોન કર્યો અને ટૂંકમાં જ વાત પતાવી હકમસિંહને કહ્યું,” ફેક્ટરીમાંથી તો નીકળી ગયા છે. હશે ક્યાંક રસ્તામાં, ફોન ઉપાડતાં નથી. તું જા…એ તો આવી જશે.” હકમસિંહને શેઠાણીની વાત ગળે ના ઉતરી.

મનમાં જાણે કંઈક ચહલપહલ જામી હતી. એ તો કુદરતે ઈશારો કર્યો હોય એમ એક ટોચૅ,લાઠી લઈ પોતાની સાયકલ પર સવાર થયો અને દ્વિચક્રીને મારી મૂકી શેઠની ફેક્ટરીના રસ્તે ! ફેક્ટરીના મુખ્ય દરવાજે જઈ જોયું તો ત્યાં તાળું હતું. ત્યાંનો ચોકીદાર પોતાની કેબીનમાં પથારી પાથરી ઊંઘવાની તૈયારી કરી રહ્યો હતો. હકમસિંહએ તરત જ એ ચોકીદારનું બારણું ખખડાવ્યું. ચોકીદાર બહાર આવતાં જ હકમસિંહએ ટૂંકમાં પોતાનો પરિચય આપ્યો અને શેઠ વિશે પૂછ્યું, સામેવાળાએ તરત જ જવાબ આપ્યો કે,” શેઠ આજે તો ઘણા વહેલા નીકળી ગયા હતા !” હકમસિંહ આવાક બની જોઈ જ રહ્યો. અંતરમાંથી આવતા અવાજનું માની હકમ સિંહ જાણે બધું જ જાણતો હોય એમ દબાણપૂર્વક પેલા ચોકીદારને ફેક્ટરી ખોલવા કહ્યું કે,”શેઠ ભલે વહેલાં નીકળી ગયા હોય પરંતુ મને લાગે છે અત્યારે તેઓ ફેક્ટરીમાં જ ક્યાંક છે. તું જલ્દી ફેક્ટરી ખોલ ! હકમસિંહ ફેક્ટરીના ચોકીદારને લઈ ફેક્ટરીમાં ગયા. ત્રણ ચાર વિભાગમાં તપાસ કરતાં કરતાં છેલ્લે તેઓ ગોડાઉનમાં પહોંચ્યા. શિયાળાની ઠંડી હતી અને સામાન એસીમાં રાખવો પડે એવો હોવાથી એસી પણ એકદમ નીચા તાપમાને ચાલતું હતું એટલે ગોડાઉન ઠંડુગાર હતું. બંને ચોકીદાર ટોર્ચ લઈ જાણે કશું શોધતા હોય એમ દરેક જગ્યાએ ફરી વળ્યા.

Advertisement

થોડી જ વારમાં હકમસિંહેએ શેઠ ચીમનલાલને એક ટેબલની બાજુમાં જમીન પર ચત્તાપાટ પડેલા બેહોશ હાલતમાં મળ્યા. બંને ચોકીદાર શેઠને બેહોશ જોઈ જાણે જમીન સાથે જડાઈ ગયા ! હકમસિંહ તરત જ સ્વસ્થ થઈ પેલા ચોકીદારની મદદથી તાબડતો એમ્બ્યુલન્સ બોલાવી શેઠને મોટી હોસ્પિટલમાં દાખલ કર્યા. ડોક્ટર દ્વારા જાણવા મળ્યું કે શેઠને હાટૅ એટેક આવ્યો હતો અને છેલ્લાં શ્વાસે હતાં. શેઠની સારવારમાં આખી રાત એમ જ નીકળી ગઈ. બીજા દિવસની ખુશનુમા સવાર થઈ. હકમસિંહ શેઠના ઘરે પણ ફોન કરી અને બધી વિગત જણાવી દીધી હતી એટલે શેઠાણી અને શેઠના ફેક્ટરીના માણસો પણ આવી પહોંચ્યા હતા. શેઠ હવે ભાનમાં આવી ગયા હતા. સ્વસ્થ થતાં તેમણે તરત જ હકમસિંહને પોતાની પાસે બોલાવી અને કહ્યું,” હકમસિંહ હું ફેક્ટરી માંથી તો લગભગ પાંચેક વાગ્યે નીકળી ગયો હતો પરંતુ બહાર નીકળતા કંઈક કામ યાદ આવતા હું પાછો વળી અને ફેક્ટરીમાં આવ્યો હતો.એક ફાઈલ લેવા ગોડાઉનમાં ગયો હતો અને એમાં અચાનક જ મને ગભરામણ થઈ અને હાર્ટ એટેક આવી ગયો હતો. તકલીફ વધતાં હું નીચે પડી ગયો હતો.

Even a cup of tea with someone with a generous heart can sometimes save our lives

મારાથી બોલી પણ નહોતું શકાતું. સ્ટાફને કશી ખબર જ નહોતી એટલે ફેક્ટરી બંધ થવાના સમયે ચોકીદાર આવ્યો ખરો પણ મને જોઈ ના શક્યો.અંદર કોઈ નથી એવું માની તે દરવાજો બહારથી બંધ કરીને ચાલ્યો ગયો. છેલ્લે તું આવ્યો ત્યારે હું છેલ્લી ઘડીઓ ગણતો હતો.પરંતુ તે ભગવાન બની મને બચાવી લીધો. પણ હવે તું કહે કે,” તને કેવી રીતે ખબર પડી કે હું ફેક્ટરીમાં જ છું અને ગોડાઉનમાં ફસાઈ ગયેલો છું ? ચીમનલાલે ઉપરાછાપરી સવાલો ધયૉ. ચોકીદાર હકમસિંહે ઉભરાતી આંખે અને સસ્નેહ સાથે પોતાની કથની રજૂ કરી. “સાહેબ તમને ખબર છે ને કે તમે દરરોજ સોસાયટીમાં આવતા જ મારી સાથે પેલા ચાના ગલ્લે સાંજની એક કટીંગ ચા પીવો છો ? મારી બહું આત્મિયતા જોઈ તમે ઘણીવાર એમ પણ કહેતા કે જે સાંજે હું તારી સાથે ચા નહીં પીવું એ દિવસે સોસાયટીમાં હું હાજર નથી સમજી જવાનું તારે અને એ દિવસે તમે મારી સાથે ચા ના પીધી એટલે મને સમજાઈ ગયું કે આજે શેઠ ઘરે આવ્યા નથી. મેં તમારા ઘરે તપાસ કરી અને ખાતરી કરતાં મને શંકા ગઈ.

Advertisement

હું તરત જ તમારી ફેક્ટરી તરફ સાયકલ લઇ આવી પહોંચ્યો. ફેક્ટરીના મુખ્ય દરવાજે તાળું જોઈ હું નિરાશ થયો પરંતુ તમે જ્યારે આપણે ચા પીતા ત્યારે દરરોજ મારી આગળ પોતાના આખા દિવસની દૈનિક વાતો કરતા અને એમાં તમે તમારી ફેક્ટરીની બાજુમાં જે પાર્લર આવેલું છે ત્યાંથી એક સિગરેટ લઈ અને પૂરી કરી પછી સીધા ઘરે આવતા એ વાત પણ કરેલી. આ વાત મને યાદ આવતા મેં એ પાર્લર ઉપર તપાસ કરી તો મને ખબર પડી કે તમે આજે ત્યાંથી સિગરેટ લીધી નથી.બસ પછી તો મને તરત જ ખાતરી થઈ ગઈ કે શેઠ અહીંયા આવ્યા નથી એનો મતલબ કે તેઓ ફેક્ટરીમાંથી બહાર નીકળ્યા જ નથી. બસ આમ જ સાંજની કટીંગ ચા આપણે સાથે પીતા અને તમે જે વાતો કરતા એની આત્મીયતાથી હું અહીંયા પહોંચી ગયો અને કુદરતે મને તમને બચાવા નિમિત બનાવ્યો. શેઠને ગ્લુકોઝનો બોટલ ચાલતો હતો એ હાથે જ હકમસિંહનો હાથ પોતાના હાથમાં વહાલપૂવૅક ભેળવી લઈ અને એકીટશે જોઈ રહ્યા જાણે કહેતા હતા કે,”ઉદાર દિલથી કોઈની સાથે પીધેલી માત્ર એક કટીંગ ચા પણ ક્યારેક આપણો જીવ બચાવી શકે છે. પાસે ઉભેલા શેઠાણી તો હજુ પણ જાણે આઘાતમાં જ હતાં !

* સેઠ ફોન ઉપાડતાં નથી. તું જા…એ તો આવી જશે.” હકમસિંહને શેઠાણીની વાત ગળે ના ઉતરી
* “સાહેબ તમને ખબર છે ને કે તમે દરરોજ સોસાયટીમાં આવતા જ મારી સાથે પેલા ચાના ગલ્લે સાંજની એક કટીંગ ચા પીવો છો ?

Advertisement

:- વિજય વડનાથાણી…

Advertisement
error: Content is protected !!