Connect with us

Editorial

ભાઈબંધ ભલે ગરીબ હોય દિલ નો અમીર હોવો જોઈએ-જન્મદિવસ

Published

on

even-if-the-brotherhood-is-poor-the-heart-should-be-rich-birthday

આકાશ મધ્યમ વર્ગમાં ઉછરેલો એક સમજદાર અને પરગજુ સ્વભાવનો નવયુવાન હતો. તેને હરહંમેશ મિત્રો પ્રત્યે ઘણો લગાવ રહેતો. તેનું હૈયું બગીચાના ફુલોની માફક મિત્રો માટે હંમેશા મહેકતું હતું એટલે ગમે તે વ્યક્તિ તેનો મિત્ર બની જ જાય ! કોલેજ કરવા ગયો ત્યાં પણ તેની આ ખેલદિલી સૌને મનોહર લાગતી અને એ આકાશના મિત્ર બન્યા વિના ના રહેતાં. કોલેજકાળમાં એને આવા ઘણા મિત્રો મળ્યા હતા તેમાંથી અત્યારે તો મોટાભાગના કોઈ ને કોઈ ધંધાર્થે છૂટા પડી ગયા હતા. તેમાંથી ચારેક મિત્રો અત્યારે પણ તેના સંપર્કમાં હતાં. અઠવાડિયે – પંદર દિવસે તો એ ચાર મિત્રો મળતાં. એમાં પણ વિકેન્ડમાં તો ખાસ મળતાં. આકાશના ત્રણ મિત્રોમાંથી બે મિત્રો આકાશ કરતાં સહેજ સારી એવી આર્થિક સ્થિતિ ધરાવતાં હતાં એમાં પણ ત્રીજો મિત્ર જેનું નામ હતું ‘અમન’ તે ખૂબ અમીર કુટુંબનો એકનો એક લાડકવાયો દિકરો હતો. અમન પોતાના દરેક મિત્રની પાછળ પાણીની માફક રૂપિયા વાપરતો. તેના પિતા ખૂબ મોટા નામચીન બિઝનેસમેન હતાં તેથી અમનને રૂપિયા વાપરવાની બાબતમાં સહેજ પણ પાછું વળીને જોવાની આદત નહોતી. એમ જ કહોને કે આકાશને એના નામની જેમ મિત્ર પણ આકાશ જેવો વિશાળ હ્રદયવાળો મળ્યો હતો. અરે ! કેટલીક વખત તો અમન કંઇક ખરીદી કરવા ગયો હોય તો આકાશને ચોક્કસ સાથે લઈ જ જતો. જેવો આકાશ આવે કે અમન તરત જ તેનું રૂપિયાથી ધરાયેલુ અને વિવિધ ક્રેડિટ કાર્ડથી ઉભરાતું પસૅ તેના હાથમાં થમાવી દેતો અને ચોખ્ખું કહી દેતો, ” યાર આકાશ ! મારાથી તો ક્યાંય રૂપિયા વધતાં ઓછા અપાઈ જશે અને ક્યાંક બિલ ચુકવતી વખતે પસૅ માંથી રૂપિયા પડી પણ જશે ! તને તો ખબર જ છે એકવાર પાંચ હજારનું આખું બંડલ ક્યાંક પડી ગયું હતું.” આમ અમન પોતાના પ્રિય મિત્ર આકાશને સાથે રાખી આખો દિવસ ખરીદી કરતો. અમન તો જે દુકાન કે મોલમાં જતો ત્યાં બસ જે ગમે એ વસ્તુ લઈ લેતો એની કીંમત, ભાવતાલ કરવો અને છેલ્લે જે કંઈ બીલ ચુકવવાનું હોય એ બધું આકાશના શીરે જ રહેતું. તેની સામે આકાશ પણ પુરી નિષ્ઠાથી બધો ભાવતાલ કરતો અને બીલ ચુકવતો. એ ઈચ્છે તો આ બધા હિસાબ માંથી પોતાના માટે ધારે તે કરી શકત પણ તે બધી ખરીદી પતે એટલે અમન આગળ પાઈ પાઈ નો હિસાબ રજૂ કરતો જોકે અમન એને બીલકુલ અવગણતો. આકાશની જેમ દરેક મિત્રો પર આંધળો વિશ્વાસ કરી અમન દરેકને જલશા જ જલશા કરાવતો એટલે એના મિત્રોની યાદીમાં બીજા કેટલાક નામ પણ ઉમેરાયાં હતાં. એ બધાં જ અમનના રૂપિયે લહેર કરતાં હતાં. આકાશ આ બધું જાણતો હતો પણ કશું બોલતો નહીં. તેના આગળ પેલાં અમનના મિત્રો ઘણી વખત કહેતા પણ ખરા કે,” જો આકાશ અમને તો તારો ભાઈબંધ જલશા- મિજબાની કરાવે છે એટલે જ ખાસ અમે તેને મળવા આવીએ છીએ, મિજબાની ની મિજબાની અને ભાઈબંધી ની ભાઈબંધી ! બીજું જોઈએ પણ શું ? ”

આકાશને આવા તકવાદી મિત્રો સહેજ પણ નહોતાં ગમતાં પણ કરે શું ! અમન આ બાબતે બીલકુલ અજાણ હતો. એને તો એમ જ હતું કે આકાશ છે એવા બીજા મિત્રો પણ છે. બધા જ પોતાના જીગરજાન મિત્રો છે એવું જ એતો સમજતો હતો.

Advertisement

એકવાર અમનના પિતા વાતમાં એના મિત્રો વિશે પૂછવા લાગ્યા, ” બેટા અમન તું તારા મિત્રો વિશે તો જણાવ ? ”

” અરે ! પપ્પા મારે તો કેટલાય મિત્રો છે. બધા જ મારા આગળ પાછળ ઘૂમતા રહે છે, એક બે દિવસ જો મને મળ્યાં વિના જતાં રહે તો એ બધા મારા વિના જાણે સૂના જ પડી જાય ! મારા બધા જ મિત્રો ખરેખર કમાલના છે.” અમન પોતાના મિત્રોની તારીફ કરતાં બોલ્યો. જમાનાના તડકા છાંયડા જોયેલા અમનના પિતાએ તેના મિત્રોની મિત્રતા જાણવા કહ્યું, ” અમન તો પછી તારૂં કહેવું છે કે તારા બધા મિત્રો તારા મારા માટે હંમેશા તૈયાર જ હોય એમ ને ? ” અમન તરત જ ટાપસી પુરતાં કહીં દીધું ,”હા….હા….કેમ નહીં ! ”

Advertisement

even-if-the-brotherhood-is-poor-the-heart-should-be-rich-birthday

” બરાબર તો પછી હું કહું એટલું કરી બતાવજે પછી વાત.” એમ કહી પપ્પા એ અમનના કાનમાં કશુંક કહ્યું. અમન તો જાણે પપ્પાની વાતમાં કંઈ તથ્ય જ ના હોય એમ હસતો હસતો ચાલ્યો ગયો.
લગભગ અઠવાડિયું થવા આવ્યું. એક વખત સાંજનો સમય હતો. સંધ્યાની લાલીમા આભની અટારીએ ફૂવારા સરીખી ફેલાઇ રહી હતી. દૂર ક્ષિતિજે સુરજ ધરતીનો પાલવ છોડી જાણે વિદાય લઈ રહ્યો હતો.અમનને એજ વખતે અચાનક એના પપ્પાએ કહેલ વાત યાદ આવી. તેણે તરત જ પોતાની અમીરી છતો કરતો મોંઘો સ્માર્ટ ફોન હાથમાં લીધો. તેની આછી લાલાશ છતાં ચપળ એવી જમણા હાથની આંગળીઓ મોબાઈલના વિવિધ મેનુ શોધતી વોટ્સએપ પર જઈ તેના મિત્રોનું લિસ્ટ હતું ત્યાં આવી અટકી. અમન એક ઊંડો શ્વાસ લઈ ઝડપથી એણે પોતાના દરેક મિત્રને વ્યક્તિગત સાવ ટૂંકો એક સંદેશ ટાઈપ કર્યો. ” મિત્ર મારે અચાનક ૧૦૦૦ રૂપિયાની જરૂર પડી છે. હમણાં ત્રણેક કલાક પછી ૯:૦૦ વાગે આપણાં રોજના ઠેકાણે રૂપિયા લઈ આવજે.” સંદેશ મોકલ્યાં બાદ તેણે લગભગ અડધો કલાક હાથમાં જ ફોન રાખી રાહ જોઈ પણ કોઈનો પ્રત્યુત્તર ના આવ્યો. તેણે થોડોક અફસોસ પણ થયો. સાથેસાથે અંતરનાં ઉંડાણમાંથી એક આવાજ પણ આવ્યો,” કંઈ વાંધો નઈ, ૯:૦૦ વાગ્યે ત્યાં જવા તો દે , જોઉં તો ખરો શું થાય છે ? ”

બે ત્રણ કલાક થયા કે અમન તરત જ પોતાનાં પપ્પા સાથે નજીકમાં આવેલી કોફી શોપ પર જવા નીકળ્યો જ્યાં અમન પોતાના મિત્રોની સાથે અવારનવાર મળતો. બન્ને બાપ દીકરો ઘડીકમાં ત્યાં આવી પહોંચ્યા. અમનને તો મનમાં હતું કે મારા બધા ભાઈબંધો માંથી ચાર પાંચ ભાઈબંધ તો આવ્યા જ હશે પણ આ શું ! એણે કોફી શોપ પર જઇને જોયું તો તેનો એક પણ ભાઈબંધ જોવા ના મળ્યો. એના પપ્પા નજીક આવી તેના ખભા પર હાથ મુક્યો પણ અમન તેમની સામું જોઈ ના શક્યો. તે રીતસરનો ઝંખવાણો પડી ગયો. તેનો ચહેરો સાવ લોહી વિનાનો ફીકો થઈ ગયો. તેના પપ્પા બધી વાત પામી ગયા. તેઓ તરત જ કંઈ જ બોલ્યા વિના બાજુમાં એક ટેબલ પાસે જઈ બેસી ગયાં. તેઓ બેસે ત્યાં તો પાછળથી શોપના મુખ્ય દરવાજામાંથી કોઈક ત્રણ યુવકો આવતાં દેખાયાં. ત્રણેયના ચહેરા પર કંઇક શંકા અને ચિંતાના વાદળો ઘેરાયેલા સ્પષ્ટ દેખાતાં હતાં. બધાને એક સાથે કોઈ કારણ વિના અમને આમ અચાનક કેમ બોલાવ્યા છે એ વિચારે જ મનોમન ગૂંચવાતા હતાં. અમન એમને જોઈ એ તરફ દોડી ગયો. એ બીજા કોઈ નહીં પણ અમનના પેલાં કોલેજકાળના ખાસ મિત્રો જ હતાં. બધા વારાફરતી અમનને મળી, ” પુરા તો નહીં પણ જે થયા એટલા રૂપિયા આપવા લઈ આવ્યા છીએ.” એમ કહેતા એકે ૧૦૦૦ રૂપિયા બીજાએ ૨૫૦ અને આકાશે ૫૦૦ રૂપિયા અમનના હાથમાં આપ્યા. બધા કંઈ પણ પૂછે એના પહેલાં અમન એ બધા જ મિત્રોને ભેટી પડ્યો. જાણે આજે આ મિત્રો તેનાં સગાં ભાઈઓ ના હોય ! ત્યારબાદ અમને બધાના રૂપિયા પાછા આપતાં સજળ નેત્રે કહ્યું, ” મિત્રો મારે તો મારા પપ્પાના પ્રતાપે લાખ કે કરોડ રૂપિયાની પણ કંઈ ખોટ પડે એમ નથી. આતો આજે મારો જન્મદિવસ છે અને મારા પપ્પાએ મને સાચા મિત્રોની ભેટ આપવા તેમણે આવું કરવા સુચવ્યું હતું.” પોતાની ઉભરાતી આંખો ખાળી ફરી તે બોલ્યો, ” ખૂબ ખૂબ આભાર મિત્રો ! આજે મને સમજાયું કે તમે જ મારા ખરા મિત્રો છો. ભલે પૂરતાં રૂપિયા નહોતાં છતાં પણ તમે જે બની એ મદદ કરવા દોડી આવ્યા ખરેખર તમે લાજવાબ છો મિત્રો ! કોઈએ સાચું જ કહ્યું છે કે જીવનમાં કપરો સમય આવે તો મારે ઘણા મિત્રો છે અને બધા જ સાચા સગાં છે એવો વહેમ નિકળી જાય ! ”

Advertisement

અમનની વાત સાંભળી બધા જ મિત્રો જન્મ દિવસની વધાઈ આપતા અમનને ખભે ઉંચકી લીધો. અમને તરત જ ખીસ્સામાંથી દસ હજારનું બંડલ આકાશને આપતા કહ્યું, ” લે ભાઈબંધ ! ચાલ જન્મદિવસની ઉજવણી કરાવ જા….ઝટ…..”

સામેના ટેબલ પાસે બેઠેલા અમનના પપ્પા આ દશ્ય જોઈ મનોમન હરખાઇ રહ્યા હતા જાણે કંઈક ગણગણતા હતાં, ” ભલે એક જ હોય કે ગરીબ હોય, પણ ભાઈબંધ ખરેખર દીલનો અમીર હોવા જોઈએ….મારો અમન તો મારા કરતાં ઘણો અમીર છે તેની પાસે આવા અમૂલ્ય મિત્રો છે ! જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેટા…. ”

Advertisement

:- વિજય વડનાથાણી….
મો. ૯૫૮૬૫૧૭૬૫

Advertisement
error: Content is protected !!