Chhota Udepur
વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે નવા ભારત તથા વિશ્વની સૌથી મોટી યોજનાઃ જયંતીભાઇ રાઠવા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ જનતા સુધી પહોંચે અને વિવિધ યોજનાકીય કામગીરીના પ્રચાર પ્રસારથી પ્રજાની સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજરોજ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં બોડેલી તાલુકાના નવાગામ ગામે યોજાયો હતો.
વિકાસયાત્રા વિશાળ અને અવિરત ચાલતી પ્રજાલક્ષી યાત્રા છે. ૧૩ વર્ષ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ ગુજરાતનો જે વિકાસ કર્યો છે તે ગુજરાત વિકાસ મોડેલને દેશ અનુસરી રહયું છે. ૯ વર્ષ પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળથી નરેન્દ્રભાઇ દેશમાં પણ પ્રજાને વિકાસના લાભો વિવિધ યોજના દ્વારા આપી રહયા છે.
આ પ્રસંગે સંબોધન કરતા ધારાસભ્ય જયંતીભાઇ રાઠવાએ જણાવ્યું કે, ૨૭ વર્ષ પહેલા છોટાઉદેપુર સહિત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાયાની અને માળખાગત સુવિધાઓનો સદંતર અભાવ હતો. ગામડાઓમાં પીવાના અને સિંચાઇના અપૂરતા પાણી, શૌચાલયોનો અભાવ, કાચા રસ્તા, અપૂરતી વીજળી સહિતનીની સમસ્યાઓ હતી. આજે ઘેર ઘેર શૌચાલય બન્યા છે. અગાઉના વર્ષોમાં સ્ત્રીઓને સૂર્યાસ્ત પછી શૌચ ક્રિયા માટે જવું પડતું, જે આજે બંધ થયું છે. હવે લગ્નોમાં કરિયાવરમાં હાથપંખા આપવા નથી પડતા, કારણકે આજે ૨૪ કલાક થ્રી ફેઝ વીજળીની સુવિધા થકી રાજ્યના ગામડાઓ ગોકુળિયા ગ્રામ અને જ્યોતિગ્રામ બન્યા છે. નરેન્દ્ર મોદીજીના મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતે છેલ્લા ૨૭ વર્ષમાં વિકાસ હરણફાળ ભરી છે.
આજે ગામડાઓમાં પાકા રસ્તાઓ, ૨૪ કલાક વીજળી, પીવાના શુદ્ધ પાણી, પાકના યોગ્ય ટેકાના ભાવો, ઘરે ઘરે શૌચાલય જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૭ વર્ષમાં ગામે ગામ સુધી તમામ માળખાકીય અને પાયાની સુવિધાઓ પહોંચી છે.
આજે જિલ્લામાં ગામડાઓમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, વિધવા સહાય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જેવી કેટલીય લોકસહાય યોજનાઓ થકી અવિરત વિકાસ થઈ રહ્યો છે.