Surat
સુરતમાં આંખનો રોગચાળો વકર્યો, પ્રતિ દિવસ 300થી વધુ કેસ નોંધાયા
(સુનિલ ગાંજાવાલા સુરત)
ચોમાસાની ઋતુ વચ્ચે હવે સુરતમાં આંખનો રોગચાળો વકર્યો છે. વાત જાણે એમ છે કે, વરસાદી વાતાવરણમાં તાવ-માથું-શરદી-મેલેરિયા કે કોલેરા જેવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોય છે. જોકે હવે સુરતમાં આંખનો રોગચાળો વકર્યો છે. સુરતની સિવિલ અને સ્મીમેરની OPDમાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. વિગતો મુજબ સુરતમાં પ્રતિ દિવસ 300 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
સુરતમાં હવે આંખના દર્દીઓનો સંખ્યામાં વધારો થયો છે. વિગતો મુજબ સુરતમાં માત્ર 10 દિવસમાં કેસોની સંખ્યામાં 100 ગણો વધારો નોંધાતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. આ તરફ સુરતમાં બાળકોમાં ચેપનું પ્રમાણ વધુ છે. જેમાં શાળાઓમાં વર્ગદીઠ 5 થી 7 કેસ આવી રહ્યા છે. જોકે સારવારના ત્રણથી ચાર દિવસમાં રોગ મટે છે પણ સાજા થવામાં દસથી બાર દિવસ જેટલો સમય પણ લાગે છે.આ તરફ હવે તબીબો આ મામલે વારંવાર સાબુથી અથવા સેનેટાઈઝરથી હાથ ધોવાની સલાહ આપી રહ્યા છે. મહત્વનું છે કે, આંખમાં રોગચાળાથી દવાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. આ રોગ સ્પર્શથી ફેલાવાની વધુ શક્યતા છે. જેને લઈ ચેપગ્રસ્ત લોકોએ ચશ્મા અને રૂમાલનો ઉપયોગ કરવા પણ સૂચના અપાઈ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બાદ હવે કંજંક્ટિવાઇટિસના રોગમાં વધારો જોવા મળી રહ્યો છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી 40% જેટલા દર્દીઓની આંખમાં ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે. સતત વધી રહેલા કંજંક્ટિવાઇટિસ બીમારીના કારણે ડોક્ટરો પણ સાવચેત રહેવા માટે જણાવી રહ્યાં છે. છેલ્લા પખવાડિયાથી સુરત શહેરમાં કંજંક્ટિવાઇટિસ નો વાવર દેખાઈ રહ્યો છે.આંખના રોગના નિષ્ણાંત ડૉ.ઈશા પટેલના કહેવા મુજબ શહેરમાં કંજંક્ટિવાઇટિસના કેસ 40 ટકા જેટલા વધ્યા છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કંજંક્ટિવાઇટિસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. જેના લક્ષણો અર્થાત ક્લિનીક પેટર્ન જોતા ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કંજંક્ટિવાઇટિસના કેસ વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ડૉ.ઈશા પટેલે જણાવ્યું કે, ‘એડીનો વાઈરસ’ને કારણે શરદી, ખાંસી, તાવ, ઝાડા અને આંખનો ચેપ થાય છે. બીજા વાયરસની તુલનામાં ‘એડીનો વાયરસ’ને કારણે થતું કંજંક્ટિવાઇટિસ વધારે ગંભીર હોય છે. એર બોર્ન ડ્રોપલેટ્સ એટલે કે ખાંસી કે છીંક ખાતી વખતે એ કફ સાથે હવામાં ફેંકાતા કણો અને ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાતો હોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા 90 ટકા લોકોને કંજંક્ટિવાઇટિસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. શહેરમાં કંજંક્ટિવાઇટિસનો ચેપ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.