Gujarat
નકલી દસ્તાવેજો થકી વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ: વિવિધ યુનિવર્સિટીઓના 199 બનાવટી માર્કશીટ અને સર્ટીઓ સાથે એક ઈસમને SOGએ ઝડપી પાડ્યો..
નકલી દસ્તાવેજો થકી વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ: વિવિધ યુનિવર્સિટીઓના 199 બનાવટી માર્કશીટ અને સર્ટીઓ સાથે એક ઈસમને SOGએ ઝડપી પાડ્યો..
આણંદ એસ.ઓ.જી પોલીસની ટીમે પેટલાદ શહેરમાં ઓવરસીઝની ઓફિસમાંથી અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓની 199 બનાવટી માર્કશીટ અને સર્ટીઓ ઉપરાંત 18 રબર સ્ટેમ્પ, ડોક્ટરના લેટર પેડ, સહી સિક્કા વાળા સર્ટી, ત્રણ મોબાઈલ ફોન, કોમ્પ્યુટર તેમજ કલર પ્રિન્ટર મળી રૂપિયા 66 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
પેટલાદ શહેરમાં સરદાર પટેલ સુપર માર્કેટમાં પહેલા માળે આવેલી દુકાન નંબર 399માં વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઇગ્રેશન સર્વિસ નામની ઓવરસીઝની ઓફિસમાં કિરણ પટેલ (રહે. શેખડી) નામનો ઈસમ વિદેશ જવા ઈચ્છતા લોકોને બનાવટી માર્કશીટ અને દસ્તાવેજો બનાવી આપતો હતો. વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતો હોવાની બાતમી આણંદ એસ.ઓ.જી પોલીસને મળી હતી. જેથી આણંદ એસ.ઓ.જીની ટીમે વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઇગ્રેશન સર્વિસ નામની ઓફિસમાં દરોડા પાડ્યા હતી.
આ દરમિયાન કિરણ ગાડાભાઇ પટેલ (રહે. શેખડી, નવાપુરા ડેરીની સામે, તા.પેટલાદ) ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે ઓફિસની તલાશી લેતાં, ટેબલના નીચેથી અલગ અલગ ફાઈલોમાં ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓના દસ્તાવેજો મળી આવ્યા હતા. તદુપરાંત અલગ અલગ લોકોના નામના જુદી જુદી શૈક્ષણિકસંસ્થાઓના ટ્રાન્સક્રિપ્ટ સર્ટી. એમઓઆઇ સર્ટી. ડીગ્રી સર્ટી સહિતના બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પોલીસે આ દસ્તાવેજો બાબતે કિરણ પટેલની પુછપરછ કરતાં આ બનાવટી દસ્તાવેજો તે પોતે જાતે જ તૈયાર કરીને કલર પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી લેતો હોવાનું કબુલ્યું હતું..
પોલીસે ઓફિસમાંથી 199 બનાવટી માર્કશીટ-સર્ટી, 18 રબર સ્ટેમ્પ, 2 સ્ટેમ્પ પેડ, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના હોદ્દા વાળા રજીસ્ટર સ્પીડ પોસ્ટ લખેલ કવર, કોરા કવર, આશિષ હોસ્પિટલ ડોક્ટર જીગર જોષીના લેટર પેડ, ત્રણ મોબાઈલ ફોન, એક કોમ્પ્યુટર સેટ, પેન ડ્રાઈવ, કલર પ્રિન્ટર મળી રૂ 66 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ પકડાયેલા કિરણ ગાંડાભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..