Surat

દોઢ કરોડની ઠગાઈમાં નકલી ઇડી ડિરેક્ટર પકડાયો

Published

on

સુનિલ ગાંજાવાલા

મહાઠગ કિરણ પટેલની જેમ જ ઇડી ડિરેક્ટર તરીકે ઓળખાણ આપી ટેન્ડરના બહાને રૂ.1.50 કરોડની છેતરપિંડી કરનાર ઠગ ઓમવીર વિજયપ્રકાશસિંગની ધરપકડ કરાઇ છે. આરોપીએ માત્ર અમદાવાદમાં જ નહિ પણ સુરતમાં પણ એક વેપારી સાથે ઠગાઇ આચરી હોવાનું ખૂલ્યું છે. આરોપી સામે જ્યારે સુરતમાં અરજી થઇ હતી ત્યારથી જ તે ઇડી સહિતની અનેક એજન્સીની રડારમાં હતો.સુરતમાં ટ્રેસ થતાં જ ગુજરાત એટીએસે સુરતમાંથી આરોપીને પકડી ઇન્ટ્રોગેશન કરીને સેટેલાઇટ પોલીસને સોંપ્યો હતો. ત્યારે આરોપી સામે સુરતમાં જે અરજી થઇ છે તે સંદર્ભે આગામી સમયમાં પોલીસ ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા છે. થલતેજમાં રહેતા ઝરણાબહેન ઠાકર એસ્ટ્રોલોજી અને પૂજાવિધિનું કામ કરતા નવગ્રહ મંડળમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. કંપનીના માલિક ડો.રવિ રાવનો બોપલ-આંબલી રોડ ઉપર આવેલો બંગલો ભાડે આપવાનો હોવાથી માર્ચ 2023માં દિવ્યાંગ નામનો એજન્ટ ઓમવીરસિંગ વિજયપ્રકાશસિંગને લઈને આવ્યો હતો. ત્યારે ઓમવીરસિંગ પોતે ઈડીમાં ડિરેક્ટર હોવાનું કહીને આઈ.આર.એસ. એડિશનલ ડાયરેક્ટર, એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા, લખેલું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું. ઓમવીરસિંગે ભાડેથી બંગલો રાખ્યો હતો.

Advertisement

જ્યારે રવિ રાવના ઓળખીતા પ્રદીપ ઝાને સરકારી ટેન્ડરમાં મદદ કરવાનું કહી આરોપીએ રૂ.1.50 કરોડ લીધા હતા. ત્યારબાદ ટેન્ડર બાબતે મદદ નહીં કરી તે ફરાર થઇ ગયો હતો. આરોપી આ ઠગાઇ આચરી રવિ રાવનો બંગલો પણ રાતોરાત ખાલી કરીને સુરત જતો રહ્યો હતો. તેવામાં સુરતમાં પણ તેની સામે અરજી થઇ હોવાનું સામે આવતા ઇડી સહિતની એજન્સીઓ તેને ટ્રેસ કરી રહી હતી. તેવામાં ગુજરાત એટીએસની ટીમે આરોપીને સુરતમાં ટ્રેસ કરતા સુરતથી પકડી ઇન્ટ્રોગેશન કરી સેટેલાઇટ પોલીસને સોંપ્યો હતો.

સેટેલાઇટ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ઓમવીર વિજયપ્રકાશસિંગની ધરપકડ કરી હતી.દિલ્હીથી મુંબઈ જતી વખતે સુરતના વેપારી મળ્યા ને ઠગાઇ શરૂ કરી આરોપીએ વર્ષ 2016માં દિલ્હીમાં કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝરની નોકરી કરી હતી. વર્ષ 2018માં ઓમવીરસિંગ એન્ડ કંપનીના નામે હરિદ્વાર ખાતે જીએસટી ફર્મ શરૂ કરી એજન્ટ તરીકે કામ કરી ઓડિટ અને ટ્રાવેલિંગ સજેશન જેવું કામ કર્યું હતું. વર્ષ 2022માં હરિદ્વાર ખાતે લોર્ડ સિષીભા સોલાર પાવર નામની કંપની શરૂ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ કંપની પ્લાન્ટ નાખવા માટે જમીન અને પૈસાની જરૂર પડતા કામઅર્થે દિલ્હી એરપોર્ટથી મુંબઇ જતો હતો ત્યારે પાવર પ્લાન્ટનું કામ કરતા સુરતના વેપારી મળ્યા હતા.

Advertisement

બંને વચ્ચે કામ બાબતે વાત થયા બાદ વેપારીએ કોન્ટ્રાક્ટ આપવાની વાત કરતા આરોપીએ તેમની માહિતીઓ મેળવી લીધી હતી. બાદમાં તે સુરત ગયો ત્યારે કોન્ટ્રાક્ટ કરી સોલાર પ્લાન્ટના નાના મોટા ભાગ સપ્લાય કરવાનું નક્કી કરી રૂ. 1.05 કરોડ લીધા હતા. જેમાંથી લાખો રૂપિયાનો સામાન સપ્લાય કરી અન્ય હિસાબ બાકી રાખી અમદાવાદ આવી ગયો હતો.દિલ્હીમાં વીઆઇપી લોકો રહે તેવા વિસ્તારમાં આરોપી રહેતો હતો. મોર્નિંગ વોક કરવા આવતા પૈસાદાર લોકોને જોઇને તે અચંબિત થઇ પૈસાદાર થવાના સપનાં જોયા હતા. ત્યારે અનેક એજન્સીની કામગીરી સહિતના સમાચાર ન્યુઝ ચેનલોમાં જોયા બાદ નકલી અધિકારી બનવાનો વિચાર આવ્યો હતો. દિલ્હીમાં તેના ત્યાં કામ કરનાર વ્યક્તિએ કાર્ડ બનાવી આપ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે હકીકત સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. 3000 કરોડના ટેન્ડર માટે દોઢ કરોડ રૂપિયા કમિશન લીધું હતુંસેટેલાઇટ કેસમાં પ્રદીપ ઝાએ કેન્દ્રના ફાયનાન્સ વિભાગમાં ટેન્ડર ભર્યું હતું. NTPCના ત્રણેક હજાર કરોડના ટેન્ડરમાં મદદ કરવા આરોપીએ દોઢ કરોડ કમિશન લીધું હતું. આરોપીએ તેના ઘરે પૂજાપાઠ કરાવ્યા તેમાં તેને 75 હજાર ખર્ચ પણ થયો હતો. પ્રદીપ ઝાએ આરોપીને દિલ્હીમાં મળીને કમિશન આપ્યા બાદ કામ બાબતે દબાણ કરતા આરોપી અમદાવાદનું મકાન ખાલી કરી સુરત ભાગી ગયો હતો. આરોપી મુંબઇ કે દિલ્હી જાય ત્યારે ત્યાં ફાઇવ સ્ટાર હોટલમાં રોકાવાની સાથે હજારોની કિંમતના કપડાં પહેરવાનો શોખ ધરાવતો હતો.

Advertisement

Trending

Exit mobile version