Chhota Udepur
કદવાલ,ભીખાપુરા પંથકના ખેડૂતો ખુશી ખુશી ખેતીકામમાં જોતરાયા
રાજ્યમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ચુકી છે. બેસતા ચોમાસે પાવીજેતપુર તાલુકાના કદવાલ, ભીખાપુરા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખેતીલાયક ભારે વરસાદ વરસી પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અહીંની ભૌગોલિક સ્થિતિ ઢોળાવ વાળી જમીન હોવાથી પાણીનો સંગ્રહ થતો નથી જેને પગલે જમીનમાં વરાપ જલ્દીથી આવતો હોઈ છે.
જેને કારણે ખેડૂતો ઢોળાવ વાળા ખેતરોમાં હળ ચલાવી ખેડવાની શરૂઆત કરી દીધી છે તો કેટલાક ખેડૂતો વાવેતર કરતા પણ જોવા મળ્યા હતા.આ પંથકમાં જમીન ઢોળાવ વાળી હોવાથી અહીં મકાઈ, તુવર, અડદનું વાવેતર કરી રહ્યા છે. કારણ કે આ પાકમાં પાણી ખૂબ ઓછું જોઈએ છે. ચાલુ સાલે ચોમાસાની ઋતુ ની શરૂઆત થી માફકસર નો ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતો સારી એવી ખેતી થશે એવી આશા સેવી રહ્યા છે.