Chhota Udepur
છોટાઉદેપુરમાં ચપ્પા વડે જીવલેણ હુમલો, ત્રણ જણા ઈજાગ્રસ્ત

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટા ઉદેપુર નગરમાં રહેતા ઇરફાનભાઈ ઇમામમુદ્દિન પઠાણના બનેવી સાથે પાણી બાબતે મુબ્બસીર પઠાણના પરિવારજનો સાથે ઝગડો થયો હતો. આ મુદ્દે ઇરફાનભાઈ પઠાણે મુબ્બસિરને ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખી ઇરફાનભાઈ પઠાણ અને ફરિદાખાન પઠાણ ગઢવીની ચાની દુકાને બેઠા હતા ત્યારે, ત્યાં મુબ્બસિર પઠાણ પોતાના મિત્ર સોહિલ બારોટ સાથે આવીને ઇરફાનભાઈ સાથે ‘તું મને શું કરી લઈશ’ કહેતા સોહિલ બારોટ ઈરફાનભાઈને પાછળથી પકડી લીધા હતા.
મુબ્બસિર પઠાણે પોતાના પેન્ટમાંથી ચપ્પુ કાઢીને ઈરફાનભાઈને પેટમાં મારવા જતાં તેઓએ પોતાનો હાથ વચ્ચે લાવતા ચપ્પુ હથેળીની પાસે વાગી જતાં હાથની નસ કપાઈ ગઈ હતી. આ જોતા તેમની સાથે બેઠેલા ફરિદાખાન પઠાણ બચાવવા જતા તેઓને પણ હાથમાં ચપ્પુ વાગી જતાં હાથની નસ કપાઈ ગઈ હતી.
બન્ને ઈજાગ્રસ્ત થતાં બન્ને જણાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરીદખાનને વધારે ગંભીર ઈજા હોવાથી વડોદરા રીફર કરવામાં આવ્યા છે.
આ અંગે ઈરફાનભાઈ પઠાણે છોટા ઉદેપુર પોલીસ મથકે મુબ્બાસિર ઇકરાર અહેમદ પઠાણ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. તો સામે પક્ષે મુબ્બસીર પઠાણે પણ ઈરફાનભાઈ પઠાણે પોતાની પાસે રહેલું ચપ્પુ મારતાં તેઓને વાગી જતાં આંગળીમાં ઈજા પહોંચી હતી. ઇરફાનભાઈ પઠાણને પોતાને પણ ચપ્પુ વાગતા તેઓ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ છોટા ઉદેપુર પોલીસને કરતા બન્ને પક્ષની ફરિયાદ દાખલ કરી સોહિલ બારોટની ધરપકડ કરી છે.