Panchmahal
‘૨૧ ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિવસ’ની ઊજવણી બોરુ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી.

આજ રોજ દુનિયાભરમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોનું પ્રદર્શન કરી શિક્ષણ સમિતિ બોરુ ના કન્વીનર પુષ્પાબેન પટેલ દ્વારા બાળકોને વાંચન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતી ભજન, ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની કાજલબેન ની સંગીત ટીમો દ્વારા રજૂઆત કરવામાં આવી.વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા“મારી ભાષા મારૂં ગૌરવ’’ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું.
મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશીએ માતૃભાષા નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.આવો, આ દિવસે આપણે સૌ ગુજરાતી બોલીએ, ગુજરાતી લખીએ અને ગુજરાતીને વિશ્વ સ્તરે ગૌરવ અપાવવા સંકલ્પબદ્ધ બનીએ.
ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથો સાથે નિકળનાર શોભાયાત્રાનું રાજ્યકક્ષાના કાર્યક્રમનું શાળા ના બાળકો અને શિક્ષકોએ વ્યુ બોર્ડ પર જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.