Gujarat
સુરતના રિલાયન્સ સ્માર્ટ બજારમાં લાગી આગ, જાણો કેવી રીતે લાગી આગ

સુરતના રિલાન્યસ સ્માર્ટ બજારમાં આગ લાગી છે. પીપલોદના સ્માર્ટ બજારમાં આગ લાગી છે જેને કારણે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આજે વહેલી સવારમાં સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતના પ્રખ્યાત પીપલોદ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. સુરતના પીપલોદ વિસ્તારના રિલાયન્સ સ્માર્ટ બજારમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર, પ્રાથમિક અનુમાન છે કે આ આગ શોર્ટ સર્કિટથી લાગી હશે. પીપલોદના વિસ્તારમાં આવેલો આ રિલાયન્સ સ્માર્ટ બજાર હાલમાં જ તૈયાર થયો હતો. આ પહેલા આ જગ્યા પર બિગ બજાર હતું. સતત પાણીનો મારો ચલાવવાને કારણે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
કાચ તોડીને ધૂમાડો બહાર કાઢવામાં આવ્યો
સુરતના પ્રખ્યાત પીપલોદ વિસ્તારમાં રિલાયન્સ સ્માર્ટ બજારમાં વહેલી સવારે આ આગ લાગતા અફરાતફરીનો મહૌલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 3-4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઓલવવા માટે ફાયર જવાનોએ કાચ તોડીને પહેલા આગનો ધૂમાડો બહાર કાઢયો હતો. ભારે જહેમત બાદ ફાયર જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
ચિલીના જંગલોમાં પણ લાગી છે ભયંકર આગ
ચિલીના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી રોયટર્સે અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. આ ભીષણ આગને કારણે 14 હજાર હેક્ટર જંગલ બળીને ખાખ થઈ ગયું છે. આ વિનાશક આગએ ચિલીમાં હાહાકાર મચાવ્યો છે. આગની આ ઘટનામાં અનેક મકાનો બળીને ખાખ થઈ ગયા હતા.
સાથે જ હજારો એકર જંગલોને પણ નુકસાન થયું છે. આગના કારણે હજારો લોકોને આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા છે. ડઝનબંધ જંગલોમાં લાગેલી આગને કારણે ચિલીની સરકારે પાડોશી દેશો પાસેથી મદદ માંગી છે. દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. ચિલીની સરકારે કહ્યું છે કે તે બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઉરુગ્વે પાસેથી સમર્થન માંગી રહી છે.
ચિલીના ગૃહમંત્રી કેરોલિના તોહાએ કહ્યું કે, આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ રહ્યો છે. અમે આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. તે જ સમયે, રાષ્ટ્રીય વનીકરણ એજન્સી CONAF એ શનિવારે જણાવ્યું હતું કે કુલ 231 જંગલોમાં આગ લાગી છે. તેમાંથી 151 પર નિયંત્રણ કરવામાં આવ્યું છે, જ્યારે 80 પર સક્રિયપણે નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે.