Gujarat

સલામત અને સુરક્ષિત ગુજરાત માટે ગુજરાત સરકારના 100 દિવસમાં મક્કમ પગલાં

Published

on

શાંતિ, સલામતિ અને સુરક્ષાનો પર્યાય એટલે ગુજરાત. ગુજરાતની ઉજળી તસવીર પાછળનું કારણ છે બે દાયકા પૂર્વે શરૂ થયેલી સર્વાગી ઉત્કર્ષની વિકાસયાત્રા. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરાવી સલામતિનો અહેસાસ જનજનને કરાવ્યો. રાજ્યમાં સલામતિ અને સુરક્ષિત સ્થિતિને પરિણામે દેશ વિદેશના મુડીરોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી બન્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગૃહ વિભાગ રાજ્યના રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ અને સલામતીમાં ઉત્તરોતર વધારો કરવાના મક્કમ નિર્ધાર સતત આગળ વધી રહ્યો છે.
રાજ્યની સુરક્ષા પ્રત્યે સરકાર કેટલી સજાગ છે તેનુ તાદર્શ ઉદાહરણ તાજેતરમાં ગુજરાતે જોયુ. સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના ગુજરાતમાં બની.જેમાં રાજ્યની ૧૭ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા. તેમાં પણ ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરી પળે પળની ઓપરેશન સંબંધિત અપડેટ મેળવતા હતા. એટલું જ નહિ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ગૃહ વિભાગ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કર્યુ હતુ.

ગુજરાત સરકારે ગુન્હાખોરી માટે “ઝીરો” ટોલરન્સની નીતિ અપનાવી છે. આ નીતિના સફળ અને સુચારૂ અમલીકરણના લીધે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુન્હાખોરીનું પ્રમાણ નહીવત્ત છે. જે રાજ્યમાં વિકાસની હરણફાળ હોય ત્યાં સામે તરફ જાહેર સુલેહ, સલામતિ અને સુરક્ષાના પડકારો પણ વધતાં જ જતા હોય છે. પરંતુ ગુજરાતે વિકાસની સાથે સલામતિ પણ જાળવી રાખી છે. આવા પડાકારોને પહોંચી વળવા રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ તંત્રએ આધુનિક શસ્ત્ર સરંજામ, ટેકનોલોજીકલ ઉપકરણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાનના અસરકારક ઉપયોગથી જાહેર સુલેહ શાંતિ જાળવવામાં સફળતા મેળવી છે.

Advertisement

વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલ લોકો પોતાની આર્થિક મજબૂરીના કારણે નાછુટકે પોતાની જરૂરીયાતોને પોષવા માટે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે ધિરાણ મેળવતા હોય છે. આવા લોકો તેમની મજબૂરીનો લાભ ઉઠાવતા દુષણો સામે શોષણનો ભોગ ન બને તે માટે વ્યાજખોરો સામે ગૃહ વિભાગે કડક પગલાં લીધા છે. વ્યાજખોરો સામે પગલાં દ્વારા લોકજાગૃતિ માટે 2389 લોકદરબાર રાજ્યભરમાં કર્યા જેનો લાભ 1.30 લાખ લોકોએ લીધો છે. વ્યાજખોરો વિરૂધ્ધ સખતમાં સખત પગલાં લેવા તેમજ નિર્દોષ જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા રાજ્યવ્યાપી ડ્રાઇવ યોજાઈ જેમાં 847 FIR દાખલઃ 1,275 આરોપીઓની અટકાયત કરી છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે સકંજો કસીને સંતોષ માન્યો નથી. પરંતુ જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી જિલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧,૯૭૮ લોકોને કિફાયતી અને પરવડે તેવા વ્યાજના નહિવત દરથી રૂ.૨૬૨ કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કર્યું છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના, બાજપાઇ બેન્કેબલ લોન યોજના, પી.એમ.સ્વનિધિ યોજના, કિસાન સાથી યોજના, પર્સલન લોન યોજના, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ, દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, માનવ કલ્યાણ યોજના, ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન આપવામાં આવી છે.

રાજ્યના નાગરિકોની સલામતિ, સુખાકારી માટે 8,982 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલોની અને 4,522 હથિયારી પોલીસ કોન્સ્ટેબલોની પારદર્શક રીતે ભરતી કરાઈ છે. તેમજ 1,287 પોલીસ સબ ઈન્સ્પેકટર સંવર્ગમાં અને 325 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગની પારદર્શક પ્રક્રિયાથી ભરતી થઈ છે. લોકરક્ષક સંવર્ગમાં 10,338 ભરતી કરી પોલીસબળને વધુ મજબૂત કરવામાં આવ્યુ છે. દિન-પ્રતિદિન શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓને લઈ ટ્રાફિક જવાનો સાથે થતાં ઘર્ષણને ટાળવા બોડીવોર્ન કેમેરા લગાવવામાં આવ્યાં છે. ટ્રાફિકના નિયમોના ભંગ કર્યો તેવા વાહનોના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન વાહનચાલકો દ્વારા પોલીસના જવાનો સાથે ઘર્ષણના બનાવોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ટ્રાફીકના નિયમોના ભંગના કેસોમાં દ્રશ્ય-શ્રાવ્ય પુરાવાઓ કેસને સાબિત કરવા ટ્રાફીક જવાનોને પોર્ટેબલ બોડી વોર્ન કેમેરા આપવાનો એક ક્રાંતિકારી નિર્ણય ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. રાજયમાં ટ્રાફિક જવાનોને અંદાજે ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યાં છે અને અમદાવાદ શહેરમાં ૨,૫૬૦ બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે.

Advertisement

રાજ્યની મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે ગૃહ વિભાગ કટિબદ્ધ છે. આ શ્રેય વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અને તેઓએ નિર્ધારીત કરેલી નીતિઓ જેવી કે, અભયમ હેલ્પલાઈન, દરેક જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન, ૨૬ જિલ્લામાં ઈન્વેસ્ટીગેશન યુનિટ ફોર ક્રાઈમ અગેઈન્સ વુમન, પોલીસ સ્ટેશન બેઈઝ સ્પોર્ટ સેન્ટર, વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર, વુમન હેલ્પડેસ્કડ, સી-ટીમ, સુરક્ષા સેતુ યોજના, ગરીમા પ્રોજેકટ, પોક્સોનું અમલીકરણને જાય છે. ગુજરાત મહિલાઓની સલામતી માટે સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. વાહન ચોરી કે મોબાઇલ ચોરીની ઓનલાઇન ફરિયાદકરવાનું મિકેનિઝમ આ સરકારે કર્યુ છે. વાહન અને મોબાઇલ ચોરીના ગુનાઓ ઓનલાઇન મોંધવારી માટે ઈ-એફઆઈઆર પ્રોજેક્ટ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી ઇ-એફ.આઇ.આર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાજ્યના નાગરિકોને પારદર્શી અને ઝડપી સુવિધા આપવા ગુજરાત પોલીસ દ્વારા e-FIRમાં મળેલી ફરિયાદોની પુન:તપાસ કરી ગુનો નોંધવા માટે ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં e-FIR સિસ્ટમથી અત્યાર સુધીમાં 7,900થી પણ વધુ અરજીઓ મળી છે. ડ્રગ્સના દુષણને નાથવા ગુજરાતે દેશમાં ઉમદા કાર્ય કર્યુ છે. ડ્રગ્સને પકડવા માટે પોલીસ કર્મીઓના મનોબળને વધારવા માટે ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. પોલીસની નિષ્ઠા અને નૈતિકતાના પરિણામે જ આજે રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટયો છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સને દરિયામાંથી ભારતમાં ઘુસતું અટકાવ્યું છે. પ્રત્યેક ગુજરાતી આજે સુરક્ષિત છે એવી ભાવના સાથે પોતાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યો છે એ જ સરકારની ઉમદા કામગીરીની ઓળખ છે.

Advertisement

Trending

Exit mobile version