Gujarat

નાણાં ધિરધાર અધિનિયમ એક્ટ હેઠળ પ્રતાપપુરા ના વ્યાજખોર સામે પ્રથમ ફરિયાદ દાખલ

Published

on

કપડવંજના આંબલીયારાના 3 લોકો સામે ઊંચા વ્યાજની લાલચમાં નાણાં ધિરધાર કરતાં ફરિયાદ, અંકલાઈ ગામની મહિલાએ ગાય વેચાણ લેવા 20 હજાર રૂપિયા 15ટકાના વ્યાજે વ્યાજખોરો પાસેથી લીધા હતા
-વ્યાજના હપ્તા પુરા થઈ ગયા તેમ જણાવતાં વ્યાજખોરોએ ધમકી આપી હતી
હજુ વ્યાજનુ વ્યાજ આશરે 3 લાખ 30 હજાર આપવાના નીકળે છે તેમ કહી કોરા ચેક પર સહી કરાવી દીધી હતી અને આ ચેક વટાવવા પણ વ્યાજખોરોએ કોશીસ કરી
-કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા નાણા ધીરધાર કરનાર સામે તવાઈ બોલાવાઈ છે. રાજ્ય વ્યાપી આ ઝુંબેશમા આજે પ્રથમ ફરિયાદ ખેડા જિલ્લામાં દાખલ થઈ છે. કપડવંજના આંબલીયારાના 3 લોકો સામે ઊંચા વ્યાજની લાલચમાં નાણાં ધિરધાર કરતાં કપડવંજ ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાઈ છે. અંકલાઈ ગામની મહિલાએ ગાય વેચાણ લેવા 20 હજાર રૂપિયા 15ટકાના વ્યાજે વ્યાજખોરો પાસેથી લીધા હતા. જોકે 20 હજારના સિધા 3 લાખ ઉપરાંતની રકમ ચૂકવવાની એટલે કે ઊંચા વ્યાજદર લેતા સમગ્ર મામલે ફરિયાદ નોધાઈ જવા પામી છે.


-15 ટકાના દરે નાણાં આપ્યા
કપડવંજ તાલુકાના અંકલઈ પ્રતાપપુરા ગામે રહેતા 40 વર્ષીય મહિલાએ લગભગ એકાદ વર્ષ પહેલા તેમના સંતાનોને દૂધ માટે તેમના સંબંધી પાસેથી એચએફ ગાય વેચાણ અર્થે રૂપિયા 30 હજારમાં રાખેલ હતી. જેના રૂપિયા 10 હજાર ભરી દીધા હતા. તો બાકી નીકળતા રૂપિયા 20 હજાર ભરવાના હતા. આ માટે મહિલાએ તેમના સંબંધો પાસે પણ નાણા માંગ્યા હતા પરંતુ કોઈએ મદદ કોઈએ નહોતી. આબાદ તેઓને જાણ થઈ હતી કે, કપડવંજ તાલુકાના આંબલીયારા ગામના મુન્નીબેન પંજાબસિહ સેનવા પંજાબસિહ બળવંતસિંહ અને ચિરાગભાઈ પંજાબસિહ સેનવા વ્યાજે નાણા આપવાનો ધંધો કરે છે. આથી આ મહિલા ઉપરોક્ત વ્યાજખોરો પાસે ગયા હતા. તો વ્યાજખોરોએ જણાવ્યું કે તમને જોઈતા નાણા તો આપુ પરંતુ 15 ટકાના દરે પૈસા આપું છુ જેથી મહિલા એગ્રી થઈ હતી. અને રૂપિયા 20 હજાર 15 ટકાના વ્યાજે લીધા હતા.


-દંપતિએ બીકના માર્યા સખીમંડળમાંથી લોન ઉપાડી તેઓને રૂપિયા 20 હજાર આપ્યા
જેમાં દર 10 દિવસે રૂપિયા 3 હજરનો વ્યાજનો હપ્તો ચૂકવવાનો રહેશે. આબાદ તેણીના પતિની હાજરીમાં આ લોકો 10-10 દિવસના સમય અંતરે આવી રૂપિયાનો બાંધેલો હપ્તો લઈ જતા હતા. છેલ્લો આઠમો હપ્તો લેવા આવ્યા ત્યારે સામેવાળા વ્યાજખોરેએ જણાવ્યું કે, વ્યાજના કુલ રૂપિયા 24 હજાર આવી ગયેલ છે. તો મૂડી બાકી છે તો સામે મહિલા અને તેના પતિએ કહ્યું કે અમોએ તમારા પૈસા આપી દીધા છે. હપ્તા પૂરા થઈ ગયા છે. તેમ કહેવા જતા ઉપરોક્ત વ્યાજખોરો આ દંપતિ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ધાકધમકી આપી બીજા તાત્કાલિક 20 હજાર રૂપિયા આપવા જણાવ્યું હતું. તેથી આ દંપતિએ બીકના માર્યા સખીમંડળમાંથી લોન ઉપાડી તેઓને રૂપિયા 20 હજાર કપડવંજ ખાતે આપેલા હતા.

-બળજબરી પૂર્વક કોરા ચેક પર સહી કરાવી દીધી
આ બાદ નાણા ધિરધાર કરનાર મુન્નીબેન તથા પંજાબસિહ બંને જણા ગત 25 ઓગસ્ટ 2022ના રોજ આ દંપતીના ઘરે ગયા હતા. અને જણાવ્યું કે, હજુ વ્યાજનું વ્યાજ ગણતા આશરે 3 લાખ 30 હજાર રૂપિયા તમારે બાકી નીકળે છે. તે તાત્કાલિક રૂપિયા આપી દો, તેમ કહેતા આ દંપતિએ જણાવ્યું કે તમારા પૈસા વ્યાજ સહિત આપી દીધેલ છે. જેથી મહિલાના પતિને આ વ્યાજખોરોએ ગડદાપાટુનો માર માર્યો હતો. અને મહિલાના પતિ પાસેથી બળજબરી પૂર્વક એચડીએફસી બેન્કના ખાતાનો કોરો ચેક સહી કરાવી મેળવી લીધો હતો.

Advertisement


-3 લાખ 30 હજાર વ્યાજ પેટે બાકી નીકળે છે તે નહીં આપો તો બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
આ બાદ વકીલ મારફતે નોટિસ મળતા જાણ થઈ કે મુન્નીબેન તથા પંજાબસિહના હોય અમારી પાસેથી બળજબરીથી લઈ લીધેલ કોરો ચેકમાં રૂપિયા ત્રણ લાખ 30 હજારની રકમ ભરી ચેક બેંકમાં વટાવવા પ્રયત્ન કરેલ હતો. પરંતુ આ ચેક ખાતામાં નાણાં ન હોવાથી પરત થયેલ છે. અને તેની ફરિયાદ પણ આ બંને વ્યક્તિઓએ અમારી વિરુદ્ધ કરેલ છે. તેવી માહિતી મળી હતી. ત્યારબાદ ગત 21મી ડિસેમ્બરના રોજ કોર્ટ કપડવંજમાં ચેકના કેસની મુદત માટે હાજર રહ્યા હતા તે વખતે કોર્ટની બહાર આવેલ ચા ની લારી આગળ આ મુન્નીબેન તથા ચિરાગભાઈએ ઉપરોક્ત 3 લાખ 30 હજાર વ્યાજ પેટે બાકી નીકળે છે તે નહીં આપો તો બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તે સમયે ઝઘડો કર્યો હતો.

-પોલીસે નાણાં ધિરધાર અધિનિયમ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી
આમ આ વ્યાજખોરોએ નાણા ધિરધારના લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણા આપી સરકારના નિયમ વિરુદ્ધ વધુ વ્યાજ મેળવી વધુ નાણા વસૂલતા સમગ્ર મામલે ભોગ બનેલ મહિલાએ કપડવંજ ટાઉન પોલીસમાં નાણાં ધિરધાર કરનાર આંબલીયારા ગામના મુન્નીબેન પંજાબસિહ સેનવા પંજાબસિહ બળવંતસિંહ અને ચિરાગભાઈ પંજાબસિહ સેનવા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાણાં ધિરધાર અધિનિયમ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી એ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Advertisement

Trending

Exit mobile version