Gujarat
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદ ખાતે પાંચ મેગા આઈટીઆઈ નિર્માણ પામશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના કૌશલ્યવાન યુવાનોને રોજગારીની વધુને વધુ તકો ઉપલબ્ધ થાય તેવા હેતુથી અનેકવિધ રોજગાર લક્ષી આયામો શરૂ કર્યા છે, જેને વધુ પ્રાધાન્ય આપવાની નેમ સાથે સ્કીલ ડેવલોપમેન્ટ આધારે અમદાવાદની કુબેરનગર સહિત વડોદરા, રાજકોટ, સુરત અને દાહોદ ખાતે એમ ઝોન મુજબ પાંચ મેગા આઈટીઆઈ નિર્માણ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, આજે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય છે ત્યારે ગુજરાતના ઉદ્યોગ ગૃહોની જરૂરિયાત અને તેમની માંગને ધ્યાને રાખીને રાજ્યની આઈટીઆઈમાં યુવાઓને સમયની માંગ મુજબ કૌશલ્ય વર્ધન તેમજ પ્રશિક્ષિત કરાશે જેથી રાજ્યના યુવાનોને વિવિધ ઉદ્યોગ એકમોમાં વધુને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.