Chhota Udepur
જેતપુરપાવી તાલુકાનાં ગઢ જૂથ ગ્રામ પંચાયતમાં ટૂંક સમયમાં પાંચ તલાટી બદલાયા
(પ્રતિનિધિ કાજર બારીયા)
સરપંચની પ્રમાણિકતા રાસ ના આવતા તલાટી ટકતા નથી ગામનો વિકાસ રૂંધાયો
ગઢ જુથ ગ્રામ પંચાયતમાં કાયમી તલાટીની નિમણૂક ન હોવાથી ગામનો વિકાસ રુંધાયો છે બે વર્ષમાં બે અને છેલ્લા બે મહિનામાં ત્રણ તલાટી બદલાઈ ગયા છે. વારંવાર તલાટીની બદલી ની અસર ગામના વિકાસ ઉપર પડી છે. તાલુકા વિકાસ અધિકારીને કાયમી તલાટી મૂકવાની ગ્રામજનો અને પંચાયત ના વહીવટ કર્તા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાયમી તલાટીની નિમણૂક કરવામાં ન આવતા ગ્રામજનો આંદોલનના માર્ગે જાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ગઢ જૂથ ગ્રામ પંચાયતમાં બે ગામોનો સમાવેશ થાય છે અંદાજિત 7,000 ની વસ્તી ધરાવતા આ બે કામોમાં કાયમી તલાટીની નિમણૂક ન થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તલાટી આવન જાવન ના કારણે ગામનો વિકાસ ખોરંભે પડ્યો છે. ગામના સરપંચ મુખલીબેન રાઠવાના પતિ મનસુખભાઈ રાઠવા નિવૃત્ત આર્મીમેન છે દેશની સેવા કર્યા બાદ તેમણે ગામની પ્રમાણિકપણે સેવા કરવાનું બીડુ ઝડપી ગામની સેવા માં રચ્યા પચ્યા રહેછે છે. મનસુખભાઈ રાઠવા તેમની સરપંચ પત્નીને માર્ગદર્શન આપી પંચાયતનો વહીવટ પારદર્શક કરવામાં મદદ કરે છે. પરંતુ પારદર્શક અને પ્રમાણિત વહીવટના કારણે કોઈપણ તલાટી આ ગામમાં ટકતા નથી મુખલીબેનના કાર્યકાળ દરમિયાન પાંચ તલાટી બદલાઈ ગયા છે. જેમાં છેલ્લા બે મહિનામાં ત્રણ તલાટી બદલાઈ ગયા છે નવા તલાટી આવે તેમના સહીના નમૂના બદલવાની પ્રક્રિયા શરૂ થાય ત્યાં તલાટી બદલાઈ જતા ગ્રામ પંચાયતનો વહીવટ ત્યાં ને ત્યાં રહી જાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પગાર ઉપરાંત ટેબલ નીચેથી રૂપિયા કમાવાની લાલચ અને વિકાસના કામોમાં ભાગીદારીની આશા રાખતા તલાટીઓ સરપંચની પારદર્શક અને પ્રમાણિતપણે ચાલતા વહીવટને જોઈ અહીં કશું મળવાનું નથી તેમ કહી બદલી કરાવી લેતા હોવાની ચર્ચા છે આજ કારણે 7000 ગ્રામજનોનું ભાવી અંધકારમય બન્યુ છે સરપંચ તથા પંચાયતની બોડી દ્વારા આ બાબતે વારંવાર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
પાવી જેતપુર તાલુકા વિકાસ અધિકારી તલાટીઓના કહેવા પ્રમાણે જ ચાલે છે ? કે તલાટીઓ પોતાની મરજી પ્રમાણે બદલી કરાવી લે છે. આ તાલુકો છે કે બોડી બાંમણી નું ખેતર ગઢ જૂથ ગ્રામ પંચાયતમાં તલાટી કેમ ટકતા નથી? શું તાલુકા વિકાસ અધિકારીએ તેની નોંધ લીધી છે ખરી ? શા કારણે તલાટી ત્યાં રહેવા તૈયાર નથી. પાવી જેતપુર તાલુકામાં તલાટીઓ જ બધો વહીવટ કરે છે ? તાલુકા વિકાસ અધિકારીની કોઈ જવાબદારી છે કે નહીં, તાલુકા વિકાસ અધિકારી હુકમ કરે અને તલાટી ના માને તે વાત માન્યમાં આવે ખરી. કાયમી તલાટીના અભાવે ગ્રામજનોના મહત્વના દાખલા તેમજ અન્ય કામો અટવાઈ ગયા છે. તેમજ ગામનો વિકાસ પણ રુંધાયો છે ત્યારે જો ગઢ જૂથ ગ્રામ પંચાયતમાં કાયમી ધોરણે તલાટી મૂકવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો તથા ગ્રામ પંચાયતના આગેવાનો આંદોલનનો માર્ગ અપનાવે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે