Surat
વકરી રહેલા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સ્લમ વિસ્તારોમાં પ્રચાર વાન શરૂ કરાઈ
સુનિલ ગાંજાવાલા સુરત
સુરત શહેરમાં વરસાદની ઋતુના પ્રારંભ સાથે રોગચાળાએ માથું ઉંચકતાં અત્યાર સુધી શહેરના અલગ – અલગ વિસ્તારોમાં ચાર માસુમ બાળકોના મોત નિપજ્યાં છે. આ સ્થિતિને પગલે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હવે શહેરના પાંડેસરા – ઉધના અને લિંબાયત સહિતના સ્લમ વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ ધરીને રોગચાળાને નાથવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.જેના માટે તમામ ઝોન વિસ્તારોમાં અલગ – અલગ વિભાગની ટીમો બનાવવાની સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય વિભાગના વડા ડો. આશિષ નાયકે આ સંદર્ભે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં માથું ઉંચકી રહેલા રોગચાળાને પગલે તંત્ર દ્વારા તાકિદને પગલે પાણીના સેમ્પલ લેવાથી માંડીને જનજાગૃત્તિ અભિયાનના ભાગરૂપે પ્રચાર ગાડી શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ સ્લમ વિસ્તારોમાં રોગચાળાને નાથવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, ઝોનલ ચીફ, આરોગ્ય વિભાગ અને હાઈડ્રોલિક વિભાગની ટીમો દ્વારા વડોદ, પાંડેસરાના ગણેશ નગર વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધી અલગ – અલગ સોસાયટીઓમાંથી 56થી વધુ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સિવાય હાલની સ્થિતિને ધ્યાને રાખીને અલગ – અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી પણ સઘન બનાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક પખવાડિયામાં વરસાદનું જોર વધતાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે અને પાંડેસરાના ગણેશ નગર સહિત વડોદમાં ચાર બાળકોના ઝાડા – ઉલ્ટીને પગલે મોત નિપજ્યું હતું. આ સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને પ્રચાર વાનથી માંડીને સર્વેની કામગીરી પણવ વેગવંતી બનાવવામાં આવી છે.