Gujarat
તહેવારોને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં, માવાના નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા
આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાને લઈને સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા મીઠાઈ બનાવવા ઉપયોગમાં લેવાતા માવાના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલો લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.આગામી સમયમાં ચંદી પડવો, દશેરા, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, અને તહેવારોમાં મીઠાઈનું વેચાણ ખુબ જ મોટા પ્રમાણમાં થતું હોય છે.ત્યારે સુરતમાં મનપાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા આજે મીઠાઈમાં વપરાતા માવાના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી ભાગળ સહિતના વિસ્તારોમાંથી મીઠાઈ વિક્રેતાઓને ત્યાં માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા આ ઉપરાંત ફરસાણ વિક્રેતાઓને ત્યાં વપરાતા તેલની પણ તપાસ કરવામાં આવી હતી. હાલ ફૂડ સેફટી ઓફિસરો દ્વારા માવાના નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.ફૂડ સેફટી ઓફિસર ડી. કે. પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આવી રહેલા તહેવારોને ધ્યાને લઈને મીઠાઈ બનાવવામાં જે માવો વપરાય છે તે માવાના સેમ્પલો આજે લેવામાં આવ્યા હતા. આ માવાના નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ તપાસમાં ધારા ધોરણ મુજબ માલુમ નહીં જણાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.