Gujarat
ભાજપમાં જોડાયા પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ, હજારો કાર્યકરોએ છોડ્યો કોંગ્રેસનો સાથ
તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેઓ ગુજરાત એકમના વડા સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આણંદ જિલ્લાની ખંભાત બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ચિરાગ પટેલે ગત વર્ષે 14 ડિસેમ્બરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે કોંગ્રેસ નેતૃત્વની કાર્યશૈલીથી નિરાશા અને પક્ષના રાજ્ય એકમમાં જૂથવાદનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું.
કોંગ્રેસના 2500 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2022ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પટેલે ભાજપના મયુર રાવલને 4 હજાર મતોના માર્જિનથી હરાવ્યા હતા. પટેલ રવિવારે ખંભાતમાં આયોજિત એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ખંભાત બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર હોઈ શકે તેવા સંકેત પણ ચિરાગ પટેલે પોતાના ભાષણમાં આપ્યા હતા.
ખરેખર તો ચિરાગ પટેલના રાજીનામા બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજવી જરૂરી બની છે. વહેલી સવારે બોરસદ વિધાનસભા મત વિસ્તારના સરપંચો અને બૂથ લેવલના કાર્યકરો સહિત 2,500 જેટલા કોંગ્રેસના કાર્યકરો જિલ્લામાં પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
પટેલે કોંગ્રેસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા
આપને જણાવી દઈએ કે કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે ચિરાગ પટેલે કોંગ્રેસ નેતૃત્વની કાર્યશૈલી પર આક્ષેપ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે મેં મારા મતવિસ્તારના લોકો સાથે ચર્ચા કરીને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. મારી જેમ ઘણા ધારાસભ્યો નાખુશ છે કારણ કે તેઓ પાર્ટીમાં ગૂંગળામણ અનુભવે છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે અને પક્ષની સ્થાનિક બાબતો પણ કેન્દ્રીય નેતૃત્વ સીધા દિલ્હીથી જ નક્કી કરે છે જાણે કે તેઓ એર કંડિશનરવાળા બંગલામાં બેસીને રજવાડું ચલાવતા હોય. તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે હીરોમાંથી ઝીરો બની ગઈ છે.