Connect with us

Vadodara

અમરનાથની યાત્રામાં મેડિકલ બેઝ કેમ્પમાં વડોદરાના ચાર મેડિકલ કર્મયોગી જોડાયા

Published

on

Four medical karmayogis from Vadodara joined the medical base camp in Amarnath Yatra

હિન્દુ પરંપરામાં અમરનાથ યાત્રાનો વિશેષ મહિમા હોય છે. શિવભક્તો મુશ્કેલ એવી અમરનાથની યાત્રા સુરક્ષિત રીતે કરી શકે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની સ્થળે જ સારવાર મળે તે માટે યાત્રાના માર્ગ પર યોગ્ય અંતરે મેડિકલ બેઝ કેમ્પ ખડેપગે હાજર હોય છે. જેમાં વડોદરાના કુલ ચાર મેડિકલ પ્રોફેશનલે સેવાનો લ્હાવો લીધો છે.

આ વર્ષે જુલાઈ મહિનામાં અમરનાથની યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. હવામાનમાં આવતા ઝડપી બદલાવ, કુદરતી આપત્તિ તથા પ્રતિકૂળ વાતાવરણના કારણે યાત્રાળુઓ આરોગ્યલક્ષી સમસ્યાઓનો ભોગ બનતા હોય છે. યોગ્ય સમયે મેડિકલ સુવિધા મળે સમગ્ર રૂટ પર દર ૪ થી ૫ કિમી. ના અંતરે મેડિકલ બેઝ કેમ્પ કાર્યરત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વડોદરામાંથી કુલ ભરતભાઈ પટેલ, ડૉ. જાગૃતિ ચૌધરી, અંકિત ધોબી અને જાગૃતિ સાબરિયા એ સ્વેચ્છાએ આ સેવાનો લાભ ઉઠાવ્યો હતો.

Advertisement

વડોદરાની એસ.એસ.જી. હોસ્પીટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવી રહેલા ભરતભાઇ પટેલે પણ સ્વૈચ્છિક રીતે આ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ અમરનાથની યાત્રા રૂટ પર શેષનાગ પોઇન્ટ પરના મેડિકલ બેઝ કેમ્પ પર ૨૦ દિવસ માટે સેવા આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. શેષનાગ સ્થળ પર હવામાન ખુબજ અસ્થિર રહે છે. ૧૧,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ આ સ્થળે ૦° થી -૧° તાપમાન સામાન્ય રીતે રહેતું હોય છે. ગમે ત્યારે વરસાદ , હિમવર્ષા, તડકો અને એકાએક ઠંડીનો મારો ચાલુ થઈ જાય છે. આવી વિપરીત પરિસ્થિતિમાં યાત્રાળુઓ કોઈ ગંભીર સમસ્યાનો ભોગ બને તો તેની સેવા માટે કાર્યરત મેડિકલ કેમ્પમાં ભરતભાઇ સેવા આપવાનો લાભ પ્રાપ્ત થયો હતો.

Four medical karmayogis from Vadodara joined the medical base camp in Amarnath Yatra

અમરનાથ યાત્રા વિશે જણાવતાં ભરતભાઇ જણાવે છે કે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ બાબા અમરનાથના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વાતાવરણમાં આવતા ઝડપી ફેરફારોના કારણે ઘણા લોકો જીવ પણ ગુમાવતા હોય છે. વધુમાં યાત્રાની શરૂઆતમાં ૯૦ થી ૯૫ ટકા ઓક્સીજન લેવલ હોય છે. જે શેષનાગ સુધી પહોંચતા ૭૦ થી ૮૦ ટકા સુધીનું થઈ જાય છે. જેના કારણે હવા પાતળી થતા શ્વાસને લાગતી સમસ્યાઓ વધતી જાય છે. તેવા કિસ્સામાં આ મેડિકલ બેઝ કેમ્પ દ્વારા ૨૪×૭ તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવતી હોય છે. શેષનાગ ખાતેના કેમ્પમાં દરરોજ ૪૦૦ થી ૫૦૦ યાત્રાળુઓને સારવાર અપાતી હોય છે. કોઈ ગંભીર કિસ્સાઓમાં દર્દીઓને એરલીફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ ફરજ પડે છે. આ તમામ કિસ્સામાં મેડિકલ બેઝ કેમ્પની ટીમ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે.

Advertisement

વધુમાં જણાવતાં ભરતભાઈ કહે છે કે મેડિકલ ટીમમાં વિવિધ રાજ્યોના ઓર્થોપેડીક, સર્જન અને મેડિકલ એક્સપર્ટ સહિત ૨૦ વ્યક્તિઓની એક ટીમ દરેક કેમ્પમાં હોય છે. આ વર્ષે એસ.એસ.જી. હોસ્પિટલના ૩ અને માનસિક રોગોના હોસ્પિટલ, કારેલીબાગના એક આરોગ્ય કર્મયોગી જોડાયા છે. દરેક વ્યક્તિ પોતાની તજજ્ઞતા જ નહિ પરંતુ દરેક સારવારમાં મદદ કરતા હોય છે. આ કેમ્પમાં કટોકટીની પરિસ્થિતિમાં એક ટીમની જેમ કેવી રીતે કામ કરવું તેની શ્રેષ્ઠ તાલીમ મળતી હોય છે.

આમ કોરોના જેવી મહામારી, કુદરતી આપત્તિ કે અમરનાથ યાત્રામાં વિકટ પરિસ્થિતિમાં યાત્રાળુઓને સારવાર આપવાની હોય ત્યારે લોકોને જીવનદાન આપવામાં આરોગ્ય વિભાગ સદૈવ તત્પર રહે છે. વડોદરામાં મેડિકલ તજજ્ઞો અમરનાથમાં સ્વૈચ્છિક રીતે સેવા આપવા માટે જોડાયા તે સરાહનીય છે.

Advertisement
error: Content is protected !!