Panchmahal
ઘોઘંબાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટર જ્ઞાન વિકસાવવા માટે અપાઈ કમ્પ્યુટરની ભેટ

ઘોઘંબા તાલુકા ની દુધાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટર જ્ઞાન વિકસે, ટેકનોલોજીનો વિકાસ થાય, નવીન શિક્ષણ નીતિના જ્ઞાનનો ઉદય થાય, તથા ગામડા અને શહેરોના શિક્ષણમાં જે અંતર વધ્યું છે તે સરખું બને તેવા હેતુથી આઈએએસટીડી ગ્રુપ વડોદરા ચેપ્ટર તરફથી આજે આ વિદ્યાર્થીઓને નવીન કોમ્પ્યુટર સેટ નંગ -૧ વિના મૂલ્ય અર્પણ કરવામાં આવ્યો છે. હાલોલ કે વડોદરા થી આ શાળા ગામડામાં ખૂબ જ ઊંડાણ વિસ્તારમાં છે અને બાળકો ઇન્ટરનેટ અને શિક્ષણના વિવિધ સોફ્ટવેર થકી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે.
હાલમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં દુનિયાનો વિકાસ ડગલેને પગલે આગળ વધી રહ્યો છે, ત્યારે ગામડાના બાળકોનો શિક્ષણ પણ ટેકનોલોજીને આભારી છે. જેથી આ બાળકો અભ્યાસ, રમતો, સાંસ્કૃતિક વારસો, રાષ્ટ્ર સમર્પણના સિદ્ધાંતો અને દેશ વિદેશના શિક્ષણના નવા અભિગમો દ્વારા ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી કોમ્પ્યુટર સેટ ભેટ આપવામાં આવ્યો છે.
આઈ.સી.ટી.ના ધ્યેય ની સફળતા માટે અને ઉચ્ચ અને ગુણવત્તાલક્ષી અધ્યયન પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી સદર કમ્પ્યુટર સેટ ભેટ વિતરણ સમારંભમાં આઈ.એસ.ટી.ડી.ના ચેરમેન દિલીપભાઈ દેસાઈ, એચ. એમ. દેસાઈ, સતિષભાઈ સુતરીયા તથા ટેકનિકલ સ્નેહલભાઈ ગોહિલ એસ.એમ.સી. ના અધ્યક્ષ શકુંતલાબેન પરમાર, એસએમસીના સભ્યો રવિન્દ્રભાઈ પરમાર, ટ્રાન્સપોર્ટેશન વાહનચાલકો તથા વાલીઓ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત સર્વે મહાનુભાવો એ જણાવ્યું હતું કે આજના સમયમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ શિક્ષણ મેળવી અને આ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવું પડશે.સમાજમાં વિવિધ ક્ષેત્રમાં સેવા કરનાર શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા આ બાળકોને શૈક્ષણિક અને ટેકનિકલ તથા ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મળે તેવા અવિરત પણે પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને દાતાઓનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.