Gujarat
પાટણમાં GPCB ની મંજૂરી વગર રહેણાંક વિસ્તારમાં ધમધમતી સોનુ-ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ.
પાટણ શહેરના ભરચક અને અતિશય ગીચ એવા સોનીવાડા વિસ્તારમાં સોના ચાંદી ગાળવાના 20 થી વધુ ભઠ્ઠીઓ ધમધમે છે. આ ભઠ્ઠીઓના માલિકો દ્વારા નિયમિત રીતે નગરપાલિકાનું ગુમાસ્તાધારા લાયસન્સ પણ રીન્યુ કરાવવામાં આવતું નથી તો કેટલીક ભઠ્ઠીઓની આગળ તેમના નામના કોઈ બોર્ડ પણ લગાવ્યા નથી જેથી કોઈ અણબનાવ બને તો સીધા હાથ અધ્ધર કરી શકાય. હવે જે ભઠ્ઠીઓના માલિકો નગરપાલિકાનું લાઇસન્સ નિયમિત રીતે રીન્યુ નથી કરાવતા તેઓની પાસેથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી મળવી તો અશક્ય થઈ બની છે.
પાટણ શહેરનો સોનીવાડો વિસ્તાર એ મુખ્યત્વે રહેણાક વિસ્તાર છે અને તેની ગલીઓ ખૂબ જ સાંકળી છે. તેમજ સોનીવાડા વિસ્તારમાં સાંકડી ગલીઓમાં બજાર વસેલું છે. આ વિસ્તારમાં ગલીમાં રીક્ષાઓ અને કાર હંકાવી પણ લગભગ અશક્ય છે તો તેમાં કોઈ અણબનાવ વખતે એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી શકવી પણ અશક્ય છે. આ બજારમાં 20 થી વધુ સોનુચાંદી ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે પરંતુ નવાઈની વાત એ છે કે આ ભઠ્ઠીના મોટા સંચાલકોએ નથી નગરપાલિકાના ગુમાસ્તાધારા ના લાયસન્સ રીન્યુ કરાવ્યા કે નથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરમિશન મેળવી. આ ભઠ્ઠીઓ ગેરકાયદેસર રીતે ગીચ રહેણાંક વિસ્તારમાં હજારો લોકોના જીવના જોખમે ધમધમી રહી છે. હવે વહીવટી તંત્રએ અને જવાબદાર અધિકારીઓએ હજારો લોકોની જીવની પરવા કરી ગેરકાયદેસર રીતે અને નિયમો તોડીને ચલાવવામાં આવતી આવી ભઠ્ઠીઓના સંચાલકો વિરુદ્ધ કડક સાથે કામગીરી લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.