Panchmahal
સુશાસન દ્વારા જીવનની સરળતા અને શાળામાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન અપાશે
“સુશાસન દ્વારા જીવનની સરળતા અને શાળામાં ટેકનોલોજીના ઉપયોગ”ને પ્રોત્સાહન મળી રહે તે માટે પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને,જિલ્લા,તાલુકા અને શાળા કક્ષાના હિતધારકોની સમિતિની બેઠક કલેકટર કચેરી,ગોધરા ખાતે મળી હતી.
આ બેઠકમાં સહભાગી થયેલા સભ્યો વચ્ચે ટ્રાન્સફર સર્ટીમાં ફેરફાર,માર્કશીટ,માઇગ્રેટ સર્ટિફિકેટ, સર્ટિની ચકાસણી, માર્કશીટની ચકાસણી સરળ બનાવવી, પુન:મુલ્યાંકનની પ્રસ્તાવના,પરીક્ષા સુધારણા,વિદ્યાર્થીઓને આધાર નોંધણીની સુવિધા, પ્રવેશ પ્રક્રિયામાં શાળાઓની સરળતા, ડીજી લોકરના ઉપયોગથી દરેક શૈક્ષણિક સર્ટિફિકેટનું વૈશ્વિકરણ, શાળાઓમાં ભૌતિક સુવિધાઓ,અધ્યયન સુધારણા તથા અન્ય સંદર્ભિત ક્ષેત્ર જેવા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી.
આગામી ઓક્ટોબર/નવેમ્બર ૨૦૨૩માં વ્યક્તિગત લાભાર્થી યોજનાઓની પહોંચ અને ગુણવત્તાસભર સેવાની ખાતરી પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે “સુશાસન દ્વારા જીવનની સરળતા અને શાળામાં ટેકનોલોજીનો ઉપયોગ” અંગેનું અધિવેશન યોજાનાર છે.આ બેઠકમાં આગામી અધિવેશન અંગે પણ ચર્ચા કરાઈ હતી.
આ વેળાએ,પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,જિલ્લા ગ્રામ વિકાસ નિયામક,જીલ્લાના તમામ તાલુકા શિક્ષણાધિકારીઓ,વિવિધ શાળાઓના આચાર્યઓ,શિક્ષણ નિષ્ણાંત,વાલીગણ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.