Mahisagar

‘ગોબર ધન યોજના’ મારફતે ગ્રામજનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા સરકાર પ્રતિબદ્ધ

Published

on

(પ્રતિનિધિ:-/સલમાન મોરાવાલા સંતરામપુર)

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા 30 એપ્રિલ 2018ના રોજ ગોબર (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ) ધન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ગોબર ધન યોજના’નો મુખ્ય ઉદ્દેશ ગામોમાંથી ઉકરડા પ્રથાનો સંપૂર્ણ નિકાલ કરવાનો તેમજ પશુઓના છાણ તથા પાકના અવશેષોનું બાયોગેસ અને જૈવિક ખાતરમાં રૂપાંતર કરી વાતાવરણને પ્રદુષણમુક્ત કરવાનો છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના નવામુવડા ગામના લાભાર્થી સંગીતાબેન ઠાકોર જણાવે છે કે , તેઓ ખેતી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે અને આખો દિવસ ખેતરમાં કામ કર્યા બાદ ઘરે થાકીને આવે તેમ છતાં સાંજે ચૂલામાં જમવાનું બનાવવું એ તેમની મજબુરી હતી. રસોઈ રાંધવા તેઓ દૂર દૂર થી લાકડા લાવી તેમનો ઉપયોગ કરતા અને એમાંયે ચોમાસામાં જો લાકડા ભીના થઈ જાય તો જમવાનું બનાવવામાં તેઓને ખૂબ તકલીફ પડતી.
વધુમાં તેમણે જણાવ્યું કે તેઓની પાસે બે ભેંસ છે જેનું દુધ તેઓ ડેરીમાં ભરાવે છે. ડેરીએ જવાના નિત્યક્રમ દરમ્યાન એક વખત તેમને ગોબર ધન યોજના હેઠળ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની સ્થાપ્ના કરવા સરકાર તરફથી મળતી સહાયની જાણકારી મળી. આમ તેમના આ યોજનામાં રસ પડતા તેઓએ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી બાયોગેસ પ્લાન્ટ માટે અરજી કરી.અરજી કર્યા બાદ તેઓને ટુક સમયમાંજ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર તરફથી સહાય તથા પ્લાન્ટની સ્થાપાના માટેની કામગીરી ચાલુ કરી આપવામાં આવી. ગોબર ધન યોજના હેઠળ આજે તેમનો પ્લાન્ટ ખુબ સારી રીતે સક્રિય છે, અને તેના થકી જ તેઓને આજે ધુમાડામાંથી અને અન્ય આર્થિક બોઝ માંથી મુકિત મળી છે, તેઓ જણાવે છે કે હું અને મારો પરિવાર સરકારના આવા પ્રયાસોને આવકારીએ છીએ તથા તેઓના આભારી છીએ.

Advertisement

સામાન્ય રીતે બાયો અંગ્રેજી શબ્દનો અર્થ જૈવિક પદાર્થ જેવા કે, ઝાડના ડાળ, ફળ, ફૂલ, પાંદડા, બીજ છે તથા આમાં માનવ અને પશુનાં આહાર દ્વારા ઉત્પન થતાં કચરાનો પણ સમાવેશ કરી શકાય. આવા બાયો પદાર્થના જથ્થાને બાયોમાસ કહેવામાં આવે છે. બાયોમાસ માંથી જે ગેસ પેદા થાય તેને બાયોગેસ કહેવાય સામાન્ય રીતે ભારતમાં વિપૂલ પ્રમાણમાં પશુપાલન થાય છે. જેના પરિણામે તેનું છાણ પણ મોટા જથ્થામાં મળી રહે છે. આમ આ બાયોમાસને જો ગેસ બનાવવા માટે વાપરવામાં આવે તો ગામડાના ઉકરડા અને તેનાથી ફેલાતી ગંદકીની સમસ્યામાંથી હંમેશા માટે છુટકારો મેળવી શકાય.


-શું છે ગોબરધન પ્લાન્ટ યોજના?

ગોબર ધન યોજના સામાન્ય માણસોને પરવડે તેવી પર્યાવરણ અનુકુલિત યોજના છે. સામાન્ય રીતે પશુઓના છાણમાંથી‎ બનાવવામાં આવતા છાણાંનો ઇંધણ તરીકે ઉપયોગથી ‎ધુમાડો ઉત્પન્ન થાય છે‎ જેનાથી પર્યાવરણ દૂષિત થાય છે. જો આજ‎ છાણનો બાયોગેસમાં ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષણ રહિત ઈંધણ અને સ્વાદિષ્ટ રસોઇની સાથે સાથે સમયનો પણ બચાવ થાય છે. પશુપાલન કરતા કે ૨ કે તેથી વધુ પશુ ધરાવતા હોય તેવા પરિવાર માટે આ ગોબર ગેસ પ્લાન્ટ વરદાનરૂપ બન્યો છે.
ગોબર ધન પ્લાન્ટમાં લાગેલા બલુનમાં ગેસનો‎ ભરાવો થાય ત્યારે એમાંથી સ્લરી‎ બહાર નિકળે છે. આ સ્લરીનો‎ ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી અને અનાજ પકવવા‎માં આવે છે. જેથી આ પ્લાન્ટ બનાવનારને ઈંધણ અને ખાતરનો બમણો લાભ મળવાથી આર્થિક ફાયદો પણ થાય છે. ઓર્ગેનિક ખેતીના હિમાયતી ખેડૂતો કાળા સોના તરીકે ઓળખાતું છાણિયું ખાતર (સ્લરી) ઊંચી કિંમતે ખરીદતા હોય છે.

Advertisement


આ પ્લાન્ટ બનાવવા માટે ૬ ફુટ પહોળાઇ અને ૫ ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ‎ખાડો તૈયાર થઇ ગયા બાદ સરકારી એજન્સી દ્વારા પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે એનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે જેથી બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન ‎થતું નથી.

-સરકાર દ્વારા અપાતી સહાય

આ યોજના ‎અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ ૪૨૦૦૦ રૂપિયા થાય છે. જેમાં સરકાર ‎દ્વારા ૩૭૦૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે આમ, લાભાર્થીએ માત્ર ૫૦૦૦ રૂપિયા‎ ભરવાના થાય છે. ઉપરાંત સ્થાનિક લોકોને રોજગાર મળી રહે તે માટે મનરેગા અંતર્ગત ગોબર ગેસ પ્લાન્ટનો ખાડો ખોદવાની પણ રોજગારી આપવામાં આવે છે. જેના પરીણામે અંતરીતયાળ વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થઈ રહી છે.

Advertisement


ઉલ્લેખનીય છે કે ‘ગોબર ધન યોજના’ના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના સ્તરમાં વધારો થયો છે. રસોઈના બળતણ ખર્ચમાં બચત થાય છે. ખાસ કરીને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળ્યું છે. બાયોગેસ થકી નવા ઊર્જા સ્ત્રોતમાં તથા જૈવિક ખાતર થકી જૈવિક ખેતી કરીને ખેડૂતો, પશુપાલકોની આવકમાં વધારો થયો છે. આમ, રાજ્ય સરકાર ‘ગોબર ધન યોજના’ મારફતે ગ્રામજનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા તથા ગામડાંઓનો સર્વાંગી વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

* મહીસાગર જિલ્લાના સંગીતાબેન ઠાકોરે બાયોગેસ પ્લાન્ટ થકી ધુમાડામાંથી મેળવી મુક્તિ
* સરકારની ગોબરધન યોજનાના સહારે સ્વચ્છતા અને સ્વનિર્ભરતામાં પોતાનું યોગદાન આપતા સંગીતાબેન ઠાકોર
* મહીસાગરના પશુપાલન કરતા પરિવાર માટે ગોબર ગેસ પ્લાન્ટ વરદાનરૂપ બન્યો

Advertisement

Trending

Exit mobile version