Chhota Udepur
હથિયાર નહિ હસ્તકલાને પ્રોત્સાહન આપતી સરકારની વોકલ ફોર લોકલ મુહિમ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના બાંડી રૂમડીયા ગામના અરવિંદભાઈ કરશનભાઈ રાઠવા તીર કામઠા, છરી, ચપ્પા, પાડયું તેમજ તીર મુકવાનું કેસ જેવા અવનવા પશું-પ્રાણીઓથી રક્ષણ આપે તેવા ઓજારો બનાવે છે. તેમની સંસ્કૃતિ પ્રમાણે આ હથિયાર નથી પણ હસ્તકલા છે.ભીલ-આદિવાસી અને રાઠવા સમાજની સંસ્કૃતિને જીવંત રાખતી આ કળામાં આરવિંદભાઈની રોજીરોટી પણ જીવંત રહે છે.
છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના માર્ગદર્શન દ્વારા તેઓ હસ્તકલાની વિવિધ વસ્તુઓના વેચાણ કરતા સ્ટોલ્સમાં ભાગ લે છે. અરવિંદભાઈ આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી સાથે પણ સંકળાયેલા છે. અમદાવાદના વસ્ત્રાપુર-હાટમાં તેઓ કાયમી સ્ટોલ લગાવે છે, તેઓ કહે છે કે તેમાં રહેવા જમવાનું સરકાર તરફથી મળે છે માટે કોઈ ખર્ચ થતો નથી. શહેરના લોકો અમારી કળાની વસ્તુઓ હોશે હોશે ખરીદે છે એટલે અમને સારો એવો ફાયદો થાય છે. છોટાઉદેપુરથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નજીક હોઈ ત્યાંના એકતા મોલમાં પણ તેઓ વેચાણ કરે છે. મેળાવડા અને પ્રદર્શનો માટે તેઓ જાતે આ વસ્તુઓ બનાવીને તેમના જેવા નાના ૧૫ જેટલા કારીગરોને રોજીરોટી આપે છે. સરકારના વોકલ ફોર લોકલ મુહિમ દ્વારા આવા અનેક પરિવારોમાં દિવાળીના પ્રસંગે ખુશીના દીવડા પ્રગટે છે.
બાણ બનાવવા માટે વપરાતી નેતરની ડાળી તેને ગમે તેટલું ખેચો તો પણ ન તૂટે તેટલું મજબુત હોય છે. તેઓ કહે છે કે આદિવાસી પ્રજા વર્ષોથી પર્યાવરણનું જતન કરતી આવી છે. પહેલાના સમયમાં ઝાડ-પાનને તોડવામાં આવે તો પણ તેની માફી માંગતા હતા. જો આમ ન કરવામાં આવે તો તેવું કરનાર વ્યક્તિની આવડત કે શક્તિ નષ્ટ થઈ જતી. અંતમાં તેઓ ઉમેરે છે કે પોતાની સંસ્કૃતિના જતન અને આદિવાસી લોકોની રોજીરોટી માટે સરકારનો ખુબ ખુબ આભાર માને છે.
નોંધનિય છે કે, ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે નાના વેપારીઓના રોજગાર વૃદ્ધિના શુભ હેતુથી આરંભાયેલું આ કેમ્પેઈન ૧ નવેમ્બર થી ૨૦ નવેમ્બર, ૨૦૨૩ સુધી ચાલનાર છે જેમાં નાના-મધ્યમ વેપારીઓના વેપારને પ્રોત્સાહન મળે તે માટે સ્થાનિક કારીગરો પાસેથી ચિજ વસ્તુઓ ખરીદી તેની રીલ/ વીડિયો કે વિડિયો બનાવી હેશટેગનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા ઉપર મુકીએ અને ઇન્ફો ગુજરાતને ટેગ કરો.આવા નાના કારીગરો પાસેથી ચીજ વસ્તુઓ ખરીદી તેમને આર્થીક મદદરૂપ થઇ ‘વોકલ ફોર લોકલ’ બનવા જિલ્લા તંત્ર દ્વારા પણ જાહેર જનતાને ખાસ અનુરોધ કરાયો છે.