Gujarat
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો મીડિયા સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને આજે રાજભવન ખાતેથી મીડિયાના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાના પત્રકારો વર્ચ્યુઅલ જોડાયા હતા. જ્યારે વડોદરા ખાતેથી જિલ્લા કલેક્ટર અતુલ ગોર, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત કૃષિ વિભાગના અધિકારીઓ, આત્મા પ્રોજેકટના અધિકારી તેમજ મીડિયાના પ્રતિનિધિઓએ આ પરિસંવાદમાં ભાગ લીધો હતો.
આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત આ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘મિશન પ્રાકૃતિક ખેતી’ને મહત્તમ અને યોગ્ય પ્રચાર-પ્રસાર થકી જનઆંદોલન બનાવવા માટે મીડિયાના પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી થકી અસાધ્ય રોગોને દૂર કરી પર્યાવરણ અને જીવ બચાવવાના ઈશ્વરીય કાર્યમાં રાજ્યપાલએ મીડિયાના સહયોગની અપેક્ષા કરી હતી.
આ પરિસંવાદમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે જે જનજાગૃતિ આવી રહી છે, તેની પ્રશંસા કરી રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને જનસમૂહની ચળવળ બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને વધારે વેગથી ઝીલવાનો આગ્રહ કર્યો હતો. રાસાયણિક ખેતીથી થતા પારાવાર નુકસાનો, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને રાજ્યપાલએ ઉદાહરણો અને સ્વ સંસ્મરણો થકી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.
રાસાયણિક ખેતીના કારણે થતા અસાધ્ય રોગો, બિનઉપજાઉ અને ઉજ્જડ બનતી જમીન અને પર્યાવરણના વિનાશની ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી સંબંધિત અફવાઓ અને ભ્રમણાઓ તોડવા મીડિયાને પ્રતિનિધિઓને આ ક્ષેત્રમાં મોટી ભૂમિકા અદા કરવા અનુરોધ કર્યો હતો. અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વનો પ્રચાર-પ્રસાર કરવા પત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પૂર્ણ થયા બાદ કલેક્ટર અતુલ ગોરે પત્રકારોને સંબોધતા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વડોદરા જિલ્લાનો ચિતાર આપ્યો હતો. ગોરે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં ૫૩૬ ગ્રામ પંચાયત પૈકીની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જિલ્લામાં ૨૩ હજારથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પ્રમાણે જિલ્લાના ૮૬ ગામોમાં ૭૫ કે તેથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાની ખેત પેદાશને સીધી જ ગ્રાહકોને વેચી શકે તે માટે ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’ કાર્યરત કરવા જિલ્લાની તમામ એ.પી.એમ.સી.ને સૂચના આપી હોવાનું કલેક્ટરએ જણાવ્યું હતું. આ માટે કરજણ એ.પી.એમ.સી. ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટે જગ્યા ફાળવવામાં આવી હોવાનું ગોરે ઉમેર્યું હતું. બાકીના તાલુકાઓમાં ટૂંક સમયમાં જ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર કાર્યરત કરી દેવામાં આવશે, જેથી ગ્રાહકો ખેડૂતો પાસેથી સીધી રીતે જ પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદી શકશે.
મીડિયાના પ્રતિનિધિઓ મારફતે કલેક્ટરએ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. વડોદરા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટેની વ્યવસ્થાનો લાભ લઈ શકે તે માટે આત્માની વેબસાઈટ પર નોંધણી કરાવવા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની વેબસાઈટ પર ‘આત્મા યોજના’ વિભાગમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ સંબંધિત માહિતી મેળવવા ગોરે અનુરોધ કર્યો હતો.
રાજભવન ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં માહિતી સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, રાજભવનના પ્રેસ સચિવ, આત્માના વિશેષ કાર્ય અધિકારી દિનેશ પટેલ, કૃષિ વિભાગ અને આત્મા પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.