Sports
ગુજરાત જાયન્ટ્સે કર્યો ટીમમાં મોટો ફેરફાર, અચાનક જ આ ધુરંધર ખેલાડીનો કર્યો સમાવેશ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન 23 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. પાંચ ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત જાયન્ટ્સે પોતાની ટીમમાં એક અનુભવી ખેલાડીનો સમાવેશ કરીને તેમને મોટી જવાબદારી સોંપી છે.
ગુજરાતની ટીમમાં મોટો ફેરફાર
ગુજરાત જાયન્ટ્સે WPLની બીજી સિઝન માટે રશેલ હેન્સના સ્થાને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઈકલ ક્લિન્ગરને તેમની ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાત જાયન્ટ્સ ગત સિઝનમાં પાંચ ટીમોની લીગમાં છેલ્લા સ્થાને રહી હતી. ટીમ આગામી સિઝનમાં 25 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં સિઝનના ઓપનર મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.
ગુજરાત જાયન્ટ્સે મીડિયા રીલીઝ બહાર પાડી
ગુજરાત જાયન્ટ્સે એક મીડિયા રીલીઝમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ ટીમ માટે માર્ગદર્શક અને સલાહકાર તરીકેની ભૂમિકા ચાલુ રાખશે, જ્યારે નૂશીન અલ ખાદીર બોલિંગ કોચ તરીકે રહેશે. જો કે, પ્રથમ સત્રમાં બેટિંગ કોચ તરીકે ફરજ બજાવતા તુષાર અરોઠે તેમની ભૂમિકા ચાલુ રાખશે કે નહીં તે જણાવવામાં આવ્યું નથી.
માઈકલ ક્લિન્ગરે મોટું નિવેદન આપ્યું છે
2017માં ઓસ્ટ્રેલિયા માટે ત્રણ T20 ઇન્ટરનેશનલ મેચ રમનાર ક્લિન્ગરે આ મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે ગુજરાત જાયન્ટ્સ પાસે વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં કંઈક ખાસ કરવાનો મોકો છે. હું ક્રિકેટની દિગ્ગજ મિતાલી રાજ સાથે કામ કરવા ઉત્સુક છું. મિતાલીએ ભારતમાં મહિલા ક્રિકેટમાં પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે ક્લિન્ગર મહિલા બિગ બેશ લીગમાં સિડની થંડરની સહાયક કોચ રહી ચુકી છે.